Mon 9 Mar 2015
હું નારી
Filed under: કવિતા — indirashah @ 6:44 pm

પેલી કવિતા ઓગણીસમી સદીની નારી વિષે,                               હવે એકવીસમી સદીની નારી વિષે

 

સવારથી સાંજ બસ કામ કરુ                                                           આ યુગની કોરપોરેટ નારી

ઉઠાડું, બાળકોને કરું તૈયાર                                                               મન બુધ્ધી તનથી શક્તિશાળી

       કપડા વોશરમાં, વઘારું શાક                                                   નિયમીત જિમ, પાર્લરમાં જનારી

          કોર્નર સ્ટોરમાં શોપિંગ કરું                                                     મંદિરે સાષ્ટાંગ દડવત કરનારી

બેબીના ડાયપર બદલું                                                                    દૃઢ આત્મવિશ્વાસ રાખનારી

         શર્ટ ટ્રાઉસરને ઇસ્ત્રી ફેરવું

પરોણાના સ્વાગત કરું                                                                      આ યુગની કોર્પોરેટ નારી

ઘર બહાર સફાઇ કરું                                                                    વ્યવસાયે નિત નવા પડકાર ઝીલે

સવારથી સાંજ બસ કામ કરું                                                            વિરોધી હરિફોથી જરીએ ના ડરે

                                                                                             નિષ્ઠાએ ઇશ્વર સહારે કામ કરે

 

ઇચ્છું, સૂર્ય તેજ કિરણૉ મુજ ચહેરે                                                       આ યુગની કોર્પોરેટ નારી

વર્ષાના ઝરમર બિન્દુ ને શિતળ                                                    ન ડરે ટફ રફ કદીક કહેવાતી

વાયુની લહેર,મુજ અંગે પ્રસરે                                                    ચર્ચા ટીકાઓના વરસાદ ઝીલતી

તોફાની પવનના સુસવાટે                                                           ઊચાઇના શિખરો સર કરતી

ઉડું તરું આભમાં ઊંચે                                                               ઘસાતી સમજણે હીરા જેમ ચમકતી

જ્યાં આરામ મળે

હીમવર્ષા ધીમી ધીમી                                                                   આ યુગની કોર્પોરેટ નારી

સફેદ ચૂમીઓ ઠંડી                                                                     ભૂલો ભૂતકાળની ફરી ના કરે

રાત્રીએ સુખે પોઢી                                                             નિજ અભિગમના વિશ્વાસે અંતરના અવાજે

સૂર્ય વર્ષા આભ વાદળ                                                          જવાબદારી કુટુંબ, વ્યવસાયની નિભાવે

પર્વત સાગર પર્ણો પથ્થર                                                    ઇશ્વર કૃપાએ શિશ ઝુકાવી પ્રગતી કરે

ચમકતા તારલા ને ચન્દ્ર

છે મારા આ બધા જ બસ

Comments Off on હું નારી
Sun 14 Dec 2014
જીવીશ
Filed under: ગઝલ — indirashah @ 10:53 pm
 
 
 
        ડરી ભૂત પિશાચથી રહી જીવીશ
        ફિરસ્તા પિશાચ ,કેમ કરી જીવીશ?
 
        અશ્રુઓ બાંધ્યા પાપણની પાળે
       તૂટશે બંધ ,ખોબલા ભરી જીવીશ
 
        મથુ છૂટવા ,ગુંચવાયા કરું તાંતણે
        ફસાતી માયા જાળમાં રહી જીવીશ
        
       યુનિફોર્મ જોવાની ટેવ વરસો જુની      
       નવીન વેશભૂષાએ મન ભરી જીવીશ
            
         ગુના અપરંપાર ગુનેગાર હરખાઇ
        નિર્દોષને બાંધી હાથકડી છૂટીશ
       
       ન થાકુ જરી ઇન્તજાર કરીશ
       વરસો વિત્યા ગણું નહી જીવીશ
   
   
 
 
      
Comments Off on જીવીશ
Tue 18 Nov 2014
હળી મળી સૌએ…
Filed under: સ્વરચના — indirashah @ 1:54 pm

 

પાંખો ફફડાવી, ઊડ્યા ઊંચે

                        હળી મળી સાથ સૌએ;

     પાખો સંકેલી શિસ્ત બધ્ધ બેસે,

                         વિજળીના થાંભલે તારે

                           હળી મળી સાથ જંપે;

            પુંજ તેજ જોયુ ઉતરતું,

              સાથ સર્વે હરખાઇ ઉડ્યા,

                          હળી મળી કાફલા સંગે;

                હરિયાળા વૃક્ષો જોયાને,

                             કોઇ ટાપુ તરફી ફંટાયા,

                   તો કોઇ દક્ષિણે વળ્યા,

                             હળી મળી રસ્તા શોધે,

                   મન પસંદ દિશા શોધી

                           માળા બાંધ્યા,

                          હળી મળી વસ્યા સર્વે;

                પ્રભુએ સર્જયા સહુને,

                બુધ્ધિહીને જાણ્યું

                           હળી મળી રહેવાને;

               બુધ્ધિશાળી ના સમજે’

                                       તોડે ફોડે,                         

                     પડળૉ ઇર્ષાના તુટ્યા,

                           હળી મળી જીવ્યા સાથે;

                  પાંખો ફફડાવી ઊડ્યા ઊંચે,

                                  હળી મળી સાથ સૌએ

Comments Off on હળી મળી સૌએ…
Tue 30 Sep 2014
ગરબો
Filed under: ગરબો — indirashah @ 10:28 am

                            નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે

               પહેલે નોરતે શૈલપુત્રી  આવિયા રે

                સાથે શીવજીનો પોઠીયો લાવિયા રે

                ભક્તો સંગે માતા ગરગે ઘુમિયા રે

                             નવદુર્ગા રમે છે ચાચર ચોકમાં રે

               બીજે નોરતે બ્રહ્મચારિણી પધાર્યા રે

               સ્વેત વસ્ત્રો માતાને શોભતા રે

                ભક્તોએ ભાવથી વધાવિયા રે

                            નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે

                 ત્રીજે નોરતે મા ચંદ્રઘંટા આવિયા રે

                  માને ભાલે ઘંટાકાર શોભી રહ્યા રે        

                 ભક્તોને સંગે મા મહાલી રહ્યા  રે

                              નવદુર્ગા રમે છે ચાચર ચોકમાં રે

                 ચોથે નોરતે કુશ્માંન્ડ માતા આવિયા રે

                  માતો અસ્ત્ર શત્ર સાથ, સિંહ સવારી રે

                  માએ ભક્તોને શક્તિ દાન આપિયા રે

                              નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે

                 પાચમે નોરતે સ્કંદમાતા આવિયા રે

                 સાથે દેવોના આશીષ લાવિયા રે

                 ભક્તો પર સ્નેહે વર્ષાવિયા રે 

                                નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે

                  છઠે નોરતે કાત્યાયની પધારિયા રે

                  મહિષાસુર મર્દિની કહેવાય છે રે

                  ભક્તોએ પ્રેમથી વધાવિયા રે

                               નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે

                  માતા કાલરાત્રી સાતમે પધારિયા રે

                   શુંભ નિશુંભ રાક્ષસ સંહારિયા રે

                  માએ ભક્તોને શુભ માર્ગે દોરિયા રે

                                   નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે

                   આઠમે નોરતે મા ગૌરી આવિયા રે

                  તપશ્ચર્યાના દેવી કહેવાયિયા રે

                  માને ભક્તોએ પ્રેમથી રિઝવિયા રે

                                   નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે

                  નવમે નોરતે સિધ્ધિદાત્રી આવિયા રે

                 માતા શીવજીને સાથ લાવિયા રે

                 ભક્તો ઘેલા બની સંગે રમિયા રે

                                      નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે

 

                  

Comments (1)
Fri 28 Feb 2014
શીવ સારથી મારો તું જ તું
Filed under: ભજન — indirashah @ 5:18 pm

 

                                                        શીવ સારથી મારો તું જ તું

                                       હથિયાર મારા છે હાથ,પગ 

                                       દોરાવી તું જ્યાં લઇ જશે

                                       કરાવીશ કામ જે તે કરશે

                                       મારગ સીધો મારો બનશે

                                                      શીવ સારથી મારો તું જ તું

                                      અવરોધો નિત નવા નડે

                                      તુજ સ્મરણ હૈયે સદા રહે  

                                     જીવન રથ મારો સ્થિર રહે

                                      સેવા સાથના કદી ન ભૂલે

                                                   શીવ સારથી મારો તું જ તું 

                                       

                                                               

Comments Off on શીવ સારથી મારો તું જ તું
Wed 26 Feb 2014
પ્રેમની પરિભાષા
Filed under: ચિંતન લેખ — indirashah @ 4:46 pm

                 પ્રેમ અનિર્વચનીય શબ્દ છે, પ્રેમતો અનુભૂતિનો વિષય છે. આ કોઇ અનૃત દુન્યવી પ્રેમની વાત નથી, જે આજકાલ ઘણો સસ્તો બની ગયો છે, આ અઢી અક્ષરનો પ્રેમ શબ્દ છુટથી વપરાઇ રહ્યો છે,તે વપરાસ ક્ષણિક સુખને પ્રગટ કરે છે,તેવા પ્રેમને ક્યારેક વિપરીત સંજોગોમાં  ધિક્કારમાં પલટાઇ જતા વાર નથી લાગતી. આવા દુન્યવી પ્રેમ સંબંધો ઘણા પ્રકારના હોય છે, જેવાકે પતિ-પત્નીના, પિતા-પુત્રના, ભાઇ- ભાઇના, ભાઇ-બેનના, મિત્રતાના, માલિક- કર્મચારીના, આ બધા પ્રેમ સંબંધો સ્વાર્થ અને લેણ દેણ સાથે સંકળાયેલા હોય છે. 
                પ્રેમ અનિર્વચનીય હોવા છતાં, તેના વિષે ઘણું લખાય છે, કાવ્યો, ગઝલો, ફિલ્મ સ્ટોરિ, ફિલ્મ ગીતો, લોક ગીતો, વાર્તાઓ,અને નવલકથાઓ,અને આપણે બધા સાહિત્ય પ્રેમીઓ વાંચીએ છીએ, આ બધા લખાણોમાં દુન્યવી પ્રેમની જ વાતો હોય છે
             આપણું અસ્તિત્વ જ્યારે દિગ્મૂઢ કરી દે, થથરાવી મૂકે તેવા પ્રચંડ પ્રેમના ઊભરાટ નો અનુભવ કરે અને નિરંતર આનંદની અનુભૂતિ કરે ત્યારે પરમ પ્રેમ પામ્યા કહેવાઇએ.

              આવો દિવ્ય પ્રેમ દ્વાપર યુગમાં બરસાનાની રાધા અને વ્રજની ગોપીઓ પામી શક્યા.

આવો પ્રેમ પામવાની ઝંખના દરેક હૈયાના અતલ ઊંડાણમાં પડેલી છે,પરંતુ તે પામવું સહેલું નથી, તે પામવા પ્રેમપંથની પાવક જ્વાળામાંથી પસાર થવું પડે છે,પસાર થતા થતા માંહ્યલામાં લીલીછમ લાગણીઓનો અભિષેક થતો રહે,અને ક્યારેક વિરહની આગમાં દ્રવિત હ્રદય અશ્રુધારે વર્ષા વરસાવે.
આ યુગમાં આવા પ્રેમપથ પર મીરા, નરસી ભગત, કબીર જેવા વિરલા  ચાલી શક્યા અને પરમ પ્રેમને પામી શકયા.

 

Comments (1)
Wed 19 Feb 2014
હાઇકુ
Filed under: હાઇકુ — indirashah @ 6:30 pm

  મિત્રો

  આજે નારી વિશે થોડા હાયકુ મુકુ છું.

    નારીનું દુધ

 વગોવે નરાધમો

     હવશ પૂરી

 

 

   કહેવાય છે

  જગતમાં જનની

    ખરેખર છે?

 

 

  હોય તો પછી

  અત્યાચાર ખબરે

  છાપા ભરાઇ?

 

 

    કહેવાય છે

નારી તું નારાયણી

    ખરેખર છે?

 

 

   સમય છે આ

 રાહ શાની જુએ છે!

   સહયું ઘણું

 

  ધરી લે હવે

ચંડિકા રૂપ તારું

   દે પડકાર

Comments Off on હાઇકુ
Tue 11 Feb 2014
ન પાછી ફરું
Filed under: ગઝલ — indirashah @ 7:02 pm

                 કિનારે જઉં કે નદીમાં તરું?

                તટે સ્થિર આ શું વિચારો કરું?

 

 

               તણાવો ભરી ભાર વેઠ્યા કરું

                અશાંતિ છતા ખેલ ખેલી હરું

 

                શિશુ નાનકા કુદતા જોઇને

                  જરા મુસકાઉં મહીંથી ડરું

 

 

                 વિહંગો ઉડે આભમાં જોઇને

               અટારી એ ઊભી વિચારે ઝરું

 

 

               કિનારા એ આવી હવે વાર શું?

                 સહારો છે તારો ન પાછી ફરું

Comments Off on ન પાછી ફરું
Tue 11 Feb 2014
મજબૂરી
Filed under: ટુંકી નવલિકા — indirashah @ 6:50 pm

 

         પૂના કોઇ દિવસ મોડી ન પડે, સવારના છ વાગે કૂ કૂ ઘડીયાળમાંથી કોયલ ડોકી ઊંચી કરી લલકારે,અને ડોરબેલ વાગે,આજે સાત વાગ્યા તોય પૂના નહીં આવી.સરલાબેને બન્ને દીકરીઓના નાસ્તા તૈયાર કર્યા, દિશા, નિશા જલ્દી યુનિફોર્મ પહેરી બેક-પેક લઇ નીચે આવો, નાસ્તો તૈયાર છે. “મોમ મારા મોજા નથી મળતા” “દિશા, નાનીબેનના મોજા શૉધી આપ”, “મોમ હું મારો બેક-પેક તૈયાર કરું છું, હજુ મારે મારા મોજા પહેરવાના છે,તું ઉપર આવ નિશાને હું ક્યારની જલ્દી કરવાનું કહું છું, નથી માનતી,મમ્મી પૂનાબાઇને મોકલને.”

    ”આજે સુરેશ સ્વીઝરલેન્ડ ગયા ત્યારે જ પૂનાએ ખાડો પાડ્યો, જોકે આ સાત વરસમાં ઍક દિવસની રજા નથી લીધી, જરૂર કોઇ કારણ હશે બોલતી બોલતી સરલા ઊપર ગઇ, નિશાને તૈયાર કરી,બન્નેને નાસ્તો આપ્યો.

      ગેટ ખૂલ્યો “હાશ, પૂના આવી ગઇ, હવે એજ રીક્ષામાં બન્ને ને સ્કુલમાં મુકી આવશે”, ડોર બેલ વાગી દરવાજો ખોલ્યો, ડ્રાયવર રામજી “રામજીભાઇ તમે સાહેબને મૂકી જલ્દી આવી ગયા”!

“હા બેન આજે ટ્રાફીક ન નડ્યો”

“સારુ હવે તમે બન્ને દીકરીઓને સ્કૂલે મુક્વા જાવ આજે મોડું થયું છે”,

“નિશા, દિશા જલ્દી કરો રામજીભાઇ ગાડીમાં મુકી જાય છે”.

ગાડીમાં જવાનું સાંભળતા જ બન્ને બહેનોના પગમાં જાણૅ સ્પ્રીંગ આવી, દૂધ પીતા પીતા ઊભી થઇ,બેક-પેક ખભા પર ગોઠવી દરવાજા પાસે આવી.

 “બાય મમ્મી”,

મમ્મીને હગ આપતા નાની નિશા લાડ કરતા

“મમ્મી સાંજે રામજીભાઇ લેવા આવશે ને?”

‘હા બેટા આવશે,સરલાએ પપ્પી કરી,સાડીના છેડાથી નિશાના આંસુ લુછ્યા,

બાય બેટા, જલ્દી જાવ મોડું થાય છે.

રામજીભાઇ દીકરીઑને લઇ નીચે ગયા.

    સરલા હાશ કરી શોભા પર બેઠી.મન પૂનાના વિચારોમાં ૭ વર્ષનો ભૂતકાળ ઊલેચવા લાગ્યું,

     “દિશા દોઢ વર્ષની અને નિશા મારા ઉદરમાં ૬ મહીનાની ત્યારે બાજુવાળા નીલાબેન પૂનાને લઇ આવ્યા તેની સાથે તેની ચાર વર્ષની દીકરી ગૌરી હતી,રૂપાળી,મીઠડી દુશ્મનને પણ વહાલી લાગે તેવી.અત્યારે ૧3 વર્ષની થઇ ગઇ, તે દિવસે દિશાની બર્થ ડૅ પાર્ટીમાં , તેની માને મદદ કરવા આવેલી કેવી રૂપાળી લાગતી હતી, બધા મહેમાનોની નજર તેના પર જતી હતી, ખાસ કહું તો પુરુષોની… તેના પર જ કોઇ આપત્તિ આવી હશે તો!! આજકાલ જુવાન દીકરીઓની છેડતી ડગલે ને પગલે થતી હોય છે, ના,ના ઝોપડપટીમાં રહેતા માણસો કોઇ બહારનાની બૂરી નજર પોતાની બસ્તી પર પડે તો તે વ્યક્તિના બૂરા હાલ કરે.. સફેદકોલર વિસ્તારવાળા આંખ આડા કાન કરે. આપણે કોઇના પર્સનલ મામલામાં નહીં પડવાનું, છટકબારી….

     ટ્રીન ….ડોરબેલ વાગી, બારણું ખોલતા જ સામે પૂના અને તેની દીકરી ગૌરી બન્નેના ચહેરા ઊદાસ, આંખોમાં ગભરાટ..ગૌરીની આંખો લાલ.

“પૂના શું થયું? મા દીકરી કેમ આટલા બધા ગભરાયેલા છો?

 બન્ને અંદર આવ્યા સરલાએ ડૉર બંધ કર્યું, મા દીકરીને બેસાડ્યા,પાણી આપ્યું.

  “બેન અમારી નાતમાં છોડીઓ(છોકરીઓ)ની આ મજબૂરી, કહેવાય નહીં ને સેવાય નહીં, શહેર કે ગામડું વાંદરો ગુંલાટ ભૂલે નહીં, મારી જે દશા મારા ભઇજીના દીકરાએ કરેલ અને મને ચાર દિમાં પલ્લુ(ક્ન્યાની અપાતી કિંમત)ની રકમ લઇ મારા બાપાએ મને ત્રીજ વર મારાથી તરીહ વરહ મોટા હારે વળાવી, દીધેલ તે આ ગૌરી દુનિયામાં આવી, મારા અને ગૌરી બેઉના નસીબ, બચી ગ્યા.”

      “ પૂના કેમ એમ બોલે છે?”

     “બેન મારી મોટીબેનને ખેતરને સિમાડે પિત્રાઇ કાકાએ બળાત્કાર કરી બેજીવી કરેલી, ગભરાટમાં કોઇને વાત નહીં કરી બે મહીને બકારી થઇ ત્યારે મારી માને ખબર પડી, ગામડાની દાયણ પાહે લઇ ગ્યા પડાવવા, દાયણે કોઇ ઝેરી વનસ્પતિના દાંડા કોથળીના મુખમાં નાખ્યા ને કીધુ સવાર પડતા ગરભ પડી જશે, કલાકમાં જ લોહીની ધાર વહેવા માંડી જલ્દી ટ્રેકટરમાં શહેરના દવાખાને લઇ જવી પડી, દાકતરને મારીબેનનો જીવ બચાવવા કોથળી (ગર્ભાશય) કાઢવી પડી.આ મારી નજરે જોયેલું એટલે જેવા દસ દી ઉપર ગ્યા ને મારી માને વાત કરી દીધી.”

    “ આ ગૌરી ચાર વરહની થઇ ને મારો ચૂડલો ભાંગ્યો, સારું થજો મામાનું  મને ને ગૌરીને મુંબઇ લઇ આવ્યા, મામા તો બહું સારા છે, એમનો દિકરો નપાવટ મારી ગૌરી પર બળાત્કાર કર્યો, આજે સવારે ઊઠતાવેંત ચોકડીમાં વમન કર્યું, મેં પુછ્યું રાત્રે શું ખાઇને આવી ‘તી,ક્યારે બાર બેઠી’તી? કંઇ બોલે જ નહીં, જાણે મોઢામાં મગ ભર્યા હોય.

  બે ધોલ મારી ત્યારે માંડ નામ દીધું ને બોલી બે મહીના થ્યા છે, શહેરમાં હું દાયણ ક્યાં ગોતું? બેન તમે કાંઇ રસ્તો બતાવો, પૂના એક શ્વાસે બોલી ગઇ.

  “પૂના તું ચિંતા નહિ કર, હવે ગૌરીને મારતી નહીં, આવી રૂપાળી પરી જેવી દીકરી પર તારો હાથ કેમ ઉપડયો?”, તે દિવસે પાર્ટીમાં શાહ સાહેબે ગૌરી ને જોઇ ત્યારથી મને કહે છે, મારે આ છોકરીને ફિલ્મમાં લેવી છે, હું તને આજ વાત કરવાની હતી, સારુ થયું તું એને લઇને આવી..

     શાહ સાહેબ કોણ બેન?

    શાહ સાહેબ સિનેમા બને તેમાં નાણા રોકે છે, શાહ સાહેબની ભલામણથી તારી ગૌરી અભિનેત્રી બની જશે.

“મા માસી મને પેડૂમાં ખૂબ દુઃખે છે,, જલ્દી કંઇ કરો મારો જીવ જાય છે”,

સરલા અને પૂના તુરત ઊભા થયા પૂના ગૌરીને બાથરૂમમાં લઇ ગઇ, બાથરૂમમાં લોહી સાથે ગર્ભ પડી ગયો, સરલાએ ડો દફતરીના પ્રસુતિ ગૃહમાં ફોન કર્યો, ડો લીના આવી ગયેલ, સરલાની બચપણની બહેનપણી અને હવે તેની પર્સનલ ડોકટર.તેની સાથે ગૌરીની વિગતવાર વાત કરી.લીનાએ વાત સાંભળી તુરત જ એપોઇન્ટમેન્ટ આપી.

     સરલા પૂના અને ગૌરી રીક્ષામાં દવાખાને પહોંચ્યા, ડૉ.લીનાએ તપાસ કરી દવા લખી આપી, ગૌરીને સમજાવ્યું, માસિક નિયમીત આવે તે માટે દવા છે ત્રણ મહિના સુધી લેવાની.સરલાએ ગૌરી અને પૂનાને બહાર બેસવા કહ્યું, પૈસા કાઠ્યા લીનાના ટેબલ પર મુક્યા,.

  સરલા આ શું કરે છે?, તારા પૈસા લેવાના હોય? શિષ્ટાચાર રહેવા દે,મુકીદે પાછા.

 લીના,એમ વાત નથી, ખરેખર આપું છું, તું મારા ન લે પણ આ તો પૂનાની દીકરીના છે.

તને ખબર તો છે હું બળાત્કારનો ભોગ બનેલ માસુમ બાળાના પૈસા લેતી નથી.

    “લીના કોઇ વખત મને વિ્ચાર આવે છે,તું આ સારુ કામ કરે છે, પરંતુ તને નથી લાગતુ કે આમાં આપણી દીકરીઓ પણ જવાબદાર છે, આજકાલ જુહુ બીચ પર વહુ દીકરીઓ ટુંકા નામને પણ શરમાવે તેવા વસ્ત્રો પહેરી બિન્દાસ ફરતી હોય છે, તેમા પૈસાવાળા, સમાજમાં પ્રતિષ્ઠા મોભો ધરાવતા માતા પિતાના સંતાનો વિષેશ જોવા મળે છે.આવા વસ્ત્રો જુવાન પુરુષને ઉત્તેજીત જ કરે ને,  વિશ્વામિત્ર જેવા યોગીનું મન મેનકાને જોય ચલીત થયેલ, તો આ કળીયુગના પુરુષોનો શું વાંક?..

  સરલા તારી વાત સાવ સાચી છે, એટલેજ મેં માસુમ બાળાઓ શબ્દ વાપર્યો છે, જેમાં ગૌરી જેવી અને મધ્યમ વર્ગીય દીકરીઓના સમાવેશ થાય છે, પૈસાવાળાના કેસમાં બ્લેક્મેલ કરવા અને પૈસા પડાવવાનો હેતુ વધુ હોય છે.આવા કેસ હું નથી લેતી.

જ્યારે મધ્યમ વર્ગની બાળા અને પૈસાવાળો પરણીત યુવાન બે એકલા આવે ત્યારે હું યુવાન પાસેથી પૈસા લઉ અને બાળાને યોગ્ય સલાહ આપું,અને બન્ને મધ્યમ વર્ગના હોય ત્યારે માબાપને જાણ કરી વહેલામાં વહેલી તકે પરણી જવાની સલાહ આપું.

“આ બધી તને ખબર કેવી રીતે પડે?”

એપોઇન્ટમેન્ટ આપતા પહેલા મારી સોશ્યલ વર્કર બધી માહીતિ મેળવી મને જાણ કરે, પછી જ એપોઇન્ટમેન્ટ આપે.

“લીના હવે હું રજા લઉ, મેં તારો ઘણો સમય લીધો “.

સરલા આજે બુધવાર હું સવારે પેપર વર્ક જ કરું છું,અને તારા જેવા સગા સંબંધી ના કેસ લઉ છું,એટલે તારી સાથે થોડી ચર્ચા કરી, તું હવે જા અને હું મારું પેપર વર્ક કરું,આવજે.

આવજે

સરલા પૂના ગૌરી ઘેર આવ્યા,

પૂના તારે હવે ગૌરી સાથે અહીં જ રહેવાનું છે, નીચે સર્વન્ટ ખોલી છે, તે ખાલી છે, તેમાં તમે બન્ને રહેજો તારા મામાની ખોલી તેમને પાછી આપી દેજે, શાહ સાહેબ ગુજરાતી સિરિયલ શરુ કરવાના છે તેમાં ગૌરીને કામ મળી જશે. મેં વાત કરી દીધી છે આવતી કાલે ડાયરેક્ટર સાથે ઘેર આવશે બધુ નક્કી કરી જશે.પછી હું એને શુટીંગ હશે ત્યારે મુકી આવીશ ફોન આવે ત્યારે લેવા જઇશ.

     બેન આટલું બધું?તમારો મોટો પાડ, હું આનુ વળતર કે’દી વાળીશ?

બસ હવે પાડ, વળતરવાળી કામે વળગ,

બેન તમે,આજ, મને અને મારી દીકરીને મજબૂરીની જીદગીમાંથી છોડાવ્યા….

 

Comments Off on મજબૂરી
Mon 20 Jan 2014
મન નિર્મળ બને
Filed under: ભજન — indirashah @ 4:34 pm

 

         

       

  માંગુ બસ હું એક,

         મારું મન નિર્મળ બને

 અન્યઓના દૂષણોથી

           દૂર સદા રહે..માંગુ બસ હું એક…

  અન્યના દુઃખ જોઇને

            ભલે દ્રવી ઊઠે..માંગુ બસ હું એક…

 સત્ય અહિંસા ધર્મના

             માર્ગેથી નવ ડગે..માંગુ બસ હું એક…

  નિર્મળ એવી શક્તિ એની

            સદા વિજય કરે..માંગુ બસ હું એક …

 

Comments Off on મન નિર્મળ બને
Tue 31 Dec 2013
મલકાટ
Filed under: સ્વરચના — indirashah @ 7:21 pm

 

        વિતેલા વર્ષની ઢળી સાંજ

       નૂતન વર્ષનું ઊગ્યુ પ્રભાત

      ઠંડી લહેર લાવી નવિન વિચાર

       જૂની પૂરાણી વાતો ભૂલી

       આશા ઉમંગે મન ભરી

       નાના મોટા સૌ સંગાથ

       કરીએ સાથ એક નિર્ધાર

      સદા રહે મુખ પર મલકાટ

 

 

 

 

Comments Off on મલકાટ
Thu 31 Oct 2013
દીવાળી
Filed under: સ્વરચના — indirashah @ 9:59 pm

 

   હાલો ઊજવીઍ સૌ સાથ દીવાળી

 

    મીઠા મધૂરા વેણ મુખથી વેરી વેરી

 

     ચહેરા સોહામણા સૌના મલકાવી

 

      હાલો ઊજવીએ સૌ સાથ દીવાળી

    ફૂલજડી સમ સ્મિત જરજર વરસાવી

  

      જીલીએ હથેળી સૌ સાથ ફેલાવી

 

     ઠાલવી ભાર, હૈયાને ફૂલડે ભરી

 

     હાલો ઊજવીએ સૌ સાથ દીવાળી

     મીઠાશ ઘારી ઘુઘરા મેસુબની

 

    ખાટા તીખા મન માનસમાં ભરી

     હાલો ઊજવીએ સૌ સાથ દીવાળી

 

    

    આતમ ઊંડાણેથી અંધકાર ઊલેચી

      મૂલ્યવાન હીરો શૉધી ઉઠાવી

    ઝળહળતો પ્રકાશ જગમાં ફેલાવી

     હાલો ઊજવીએ સૌ સાથ દીવાળી

Comments Off on દીવાળી
Thu 17 Oct 2013
મા ગરબે ઘૂમવા આવો રે
Filed under: સ્વરચના — indirashah @ 12:06 pm

   નવ   નવ  રાતના નોરતા ચાંચરીયાના ચોક રે

                                       મા ગરબે ઘૂમવા આવો રે

   નવરંગી ચૂંદડીયો રૂડી દોશીડો વોહરાવે રે

                                           મા ગરબે ઘૂમવા આવો રે

નવલખો ઘડી હાર રે મા સોનીડો ઊભો દ્વારે રે

                                           મા ગરબે ઘૂમવા આવો રે

 મણીયારા ઘડી ઘાટ નવરંગ ચૂડલીયો તુજ કાજ રે

                                           મા ગરબે ઘૂમવા આવો રે

   કડલાને કંદોરા માડી જોઇ રહ્યા  તુજ વાટ રે

                                         મા ગરબે ઘૂમવા આવો રે

  ગોરણીઓ સૌ સાથ ઘૂમે છે તાળીઓના તાલે રે

                                        મા ગરબે ઘૂમવા આવો રે 

   ઝાંજરીઑ છન છન રણકતી બોલીએ બોલાવે રે

                                        મા ગરબે ઘૂમવા આવો રે

   ચોખળીયાળી ચૂંદડીમાં ચમકતા તારલીયા રે

                                   મા ગરબે ઘૂમવા આવો રે

  નભનો ચાંદલીયો તારલીયા સંગે જુવે રૂડો રાસ રે

                                 મા ગરબે ઘૂમવા આવો રે

Comments Off on મા ગરબે ઘૂમવા આવો રે
Thu 17 Oct 2013
આત્માની અષ્ટ શક્તિ
Filed under: ચિંતન લેખ — indirashah @ 12:04 pm

 

નવરાત્રીના દિવસો પૂરા થયા.સૌ દેવી ભક્તોએ પોતાની ઇષ્ટ દેવીના અનુસ્ટાન કર્યા હશે,બધી દેવીની પ્રતિમા આઠ ભૂજા વાળી હોય છે.આઠ ભૂજા શા માટે? મને પ્રશ્ન થયો.વિચારતી હતી, જવાબ મળ્યો.”અવેકનીંગ વીથ બ્રહ્મા કુમારી” નવરાત્ર સ્પેસીયલ સો માંથી. તેના પર ચિંતન કર્યું, આજે મારી સમજ મુજબ ,મારા શબ્દોમાં રજુ કરું છું.

    આ આઠ ભૂજા આપણા સહુના આત્મામાં રહેલી આઠ શક્તિનું પ્રતિક છે.

આઠ શક્તિને આહ્વાહન કરી જાગૃત કરવી તે આપણા હાથમાં છે.જ્યારે કોઇ પણ દેવી દેવતાનું આહ્વાહન કરીએ ત્યારે અમુક મર્યાદા અને શિસ્તનું પાલન કરવાનું જરૂરી હોય છે.તેમા ઉપવાસ, જાગરણ અખંડ દીપક વગેરે.આત્માની અષ્ટ શક્તિના આહ્વાહનમાં આપણે ઉપવાસ સાત્વિક ભોજન સાથે આપણા અંદર રહેલા વિકારો (થોડા નામ ક્રોધ લોભ મોહ ભોગ…) વગેરે ના ત્યાગ કરવાનો કરીશું.નવરાત્રમાં આપણે માટીના ગરબામાં અખંડ દીવો રાખીએ છીએ.આ અનુષ્ટાનમાં આપણા પંચધાતુના બનેલ શરીર રૂપી ગરબામાં આત્મારૂપી દીપકને પરમાત્માના માર્ગદર્શનથી જલતો રાખીશું.નવરાત્રમાં જાગરણ પણ કરાય છે, જાગરણ રાસ ગરબા ગાવા સાથે અજ્ઞાનની નીંદમાંથી જાગી આઠ શક્તિ વિશે જાણવા માટેનું જાગરણ.

      સૌથી પહેલી શક્તિ તે અનાશક્તિ, પાવર ટુ ડીટેચ, પાવર ટુ વીથડ્રો,કોઇ પણ પરિસ્થિતિમાં સંબંધ ભૂલી, ભૂતકાળ ભૂલી અનાશક્ત શાક્ષી ભાવે વિચાર કરીશું તો તેનો ઉકેલ સરળ બનશે.

     આ શક્તિનું પ્રતિક મા પાર્વતી છે.પાર્વતી સાથે હંમેશ ગાયના બે વાછરડા હોય છે. જે પવિત્રતા અને જીવનના પ્રતિક છે. માતા પાર્વતીએ સમય પ્રમાણે જુદા જુદા રૂપ ધારણ કર્યા છે, અને જ્યારે શીવજી તેને ત્યાગી સિધ્ધ તપશ્ચર્યા કરવા ગયા, ત્યારે પોતે અનાશક્ત ભાવે પૃથ્વી પર રહ્યા અને તપ કર્યું.

     બીજી શક્તિ તે જવા દો,ભૂલી જાવ, પાવર ટુ લેટ ગો, છોડોની શક્તિ.

    અજ્ઞાનીઓની વાતો જવા દો, ભૂલી જાવ.તમારી બુરી ટેવોને છોડો, બહારની ટેવો, તમાકુ દારુ ખાણી પીણી, જુગાર એ છોડૉ સાથે સાથે અંદર જે ટેવો છે,વિકારો છે, દા તરીકે વાત વાતમાં ગુસ્સો કરવો ઉસ્કેરાય જવું, જગડવું, આવા તો અગણીત વિકારો આપણા સૌમાં છે તે બધાને છોડો.

આ શક્તિનું પ્રતિક મા દુર્ગા છે

.જે સિંહ જેવા વિકરાળ પશુ પર સવાર છે.જે સુચવે છે જેણે બધા વિકારો તજી દીધા છે તેની સામે વિકરાળ પશુ પણ નત મસ્તક ઊભુ રહી જાય છે, સવારી આપે છે

     આ શક્તિ પામેલ આત્મા પોતાની આસપાસના સર્વ આત્માને સોમ્ય રાખી શકશે,વાતાવરણ શાંત રહેશે.

     ત્રીજી શક્તિ તે સહન શક્તિ, પાવર ટુ ટોલરેટ

આ શક્તિનું પ્રતિક જગત અંબા છે જગત જનની છે.

સહન શક્તિ એટલે લાચારી નહીં,જેમકે નોકર શેઠની જોહુકમી સહન કરતો રહે, મનમાં કોચવાય મારા નસીબ કે મને આવો શેઠ મળ્યો. વહુ સાસુ પતિના ત્રાસ સહન કરે,મનમાં દુઃખી બોલે “શું કરું વહુ થૈને આવી છું સહન કરવું જ પડે.આ લાચારી.

   માતા બધા આત્માનો સ્વીકાર કરે છે.માતા પોતાના બધા બાળકોને એક સરખો પ્રેમ આપે છે પોતાનો પુત્ર ચોર હોય કે, ભક્ત શ્રીમંત હોય કે ગરીબ,જ્યારે ઘેર આવે ત્યારે સહુને પ્રેમથી જમાડે,કોઇ પણ જાતની અપેક્ષા વગર.

    આ શક્તિ ધરાવતો આત્મા કોઇ પણ આત્માના વ્યવહારથી ચલિત નહીં થાય હસતે મોઢે સહન કરશે.કોય જાતની મનમાં કે બહાર ફરિયાદ નહીં.આ આત્મા ઊંચો બનશે અને પોતાની સાથે વ્યવહાર કરનાર સર્વ આત્માને નમ્ર બનાવશે.સહુને પ્રેમથી અપનાવશે.

       ચોથી શક્તિ તે સ્વીકાર કરવાની શક્તિ.

આ શક્તિનું પ્રતિક સંતોષી મા.

  આ શક્તિ પ્રાપ્ત કરેલ આત્મા શારીરિક,કે ભૌતિક કોઇ પણ પરિસ્થિતિને વિભૂનો પ્રસાદ સમજી સ્વીકારશે .તેમજ સર્વ આત્માને ધૃણા નફરત વગર સમાન ભાવે સ્વીકારશે .

    પાંચમી શક્તિ ખૂબ આવસ્યક  શક્તિ છે તે પરખની શક્તિ પાવર ટુ ડીસ્ક્રીમિનેટ,આ બુધ્ધિની શક્તિ છે,જે વિવેક બુધ્ધિ તરીકે પણ ઓળખાય છે.

     આ શક્તિનું પ્રતિક ગાયત્રી દેવી છે.તેના એક હાથમાં સુદર્શન ચક્ર, બીજા હાથમાં શંખ, તેની બાજુમાં હંસ જોવામાં આવે છે આ બધા પ્રતિકનું મહત્વ છે.

    સુદર્શન ચક્ર જેને સ્વ દર્શન ચક્ર કહેવામાં આવે છે,તે આત્માને સ્વ દર્શનનું સુચન કરે છે.જે હંમેશ ફરતુ હોય છે.શંખ એ નાદનુ પ્રતિક છે.અને હંસ જે સ્વેત પથ્થરમાંથી મોતી શોધી ચરે છે.અને દુધ પાણી જુદા કરી શકે છે.તે પરખનું પ્રતિક છે.

    જે આત્મા આ શક્તિ પ્રાપ્ત કરશે તે પોતાના સ્વ દર્શન ચક્રને હંમેશા ફરતુ રાખશે.તેની પાસે સાચા ખોટાની પરખ હંમેશ રહેશે.તે આત્મા દુનિયામાં થતી સાચી વસ્તુની જ  ઘોષણા કરશે અને ખોટા ધુતારા સાધુ બાવાની વાતો છોડી દેશે.આ રીતે જો બધાજ આત્મા આ શક્તિ પ્રાપ્ત કરી સારા તત્વોનો પ્રચાર કરશે તો ખોટા તત્વોનું પ્રમાણ અને પ્રભાવ ખટશે અને એક દિવસ જરૂર નાશ પામશે.

      છઠ્ઠી શક્તિ તે નિર્ણયાત્મક શક્તિ.પાવર ઓફ ડીશીસન.

આ શક્તિનું પ્રતિક મા સરસ્વતિ છે તેના બે હાથમાં વીણા છે,જે સંગીતનું પ્રતિક છે, ત્રીજા હાથમાં માળા છે,જે સંગઠન જોડાણ સુચવે છે, અને ચોથા હાથમાં શાસ્ત્રનું પુષ્તક છે.

આ શક્તિ પ્રાપ્ત કરેલ આત્મા કદિ બીજાની વાતોમાં નહીં આવે તે પોતે પોતાના જીવનનું સંગીત તૈયાર કરશે.તેનો નિર્ણય હંમેશા શાસ્ત્ર અને ધર્મ મુજબ હશે,અને છતા તે સહુ આત્માના સંસ્કાર સાથે માળાના મણકાની જેમ સંગઠનમાં રહેશે.

    સાતમી શક્તિ તે સામનો કરવાની શક્તિ.

આ શક્તિનું પ્રતિક મા કાળી છે.તેના કંઠમાં રાક્ષસોના મુંડની માળા છે પગ નીચે કચડાયેલ રાક્ષસ પડેલ છે.તેના હાથમાં રાક્ષસનું મસ્તક દબાવેલ છે.આ ભયાનક મા કાળી ભૌતિક રાક્ષસોનો સામનો કરી તેઓનો નાસ કરવા માટૅનું સ્વરૂપ છે.

છ સિધ્ધી પ્રાપ્ત કરેલ આત્માએ, પાછો પોતે માયાની પકડમાં આવી અભિમાની જીવાત્મા વિકારોને વસ થઇ કમજોર ન બને, તે માટે આ શક્તિ પ્રાપ્ત કરી નાનામાં નાની કમજોરીને પણ પકડમાં લઇ કચડી નાખવાની છે.

      આઠમી શક્તિ સહયોગ શક્તિ . પાવર ટુ કો ઓપરેટ.

આ શક્તિનું પ્રતિક મા લક્ષ્મી.જે કમળ પર બીરાજમાન છે તેના ઉપરના બન્ને હાથમાં કમળ છે,નીચેનો એક હાથ આશીર્વાદની મુદ્રામાં અને બીજો હાથ ખુલ્લો આપવાની મુદ્રામાં

આ શક્તિ સાત શક્તિ પ્રાપ્ત કરેલ આત્મા પાસે હશૅ તે બધાને પોતાની શક્તિ આપશે કોઇ જાતની સ્પર્ધા ઇર્ષા અભિમાન વગર બધા સાથે સહયોગ કરશે.અને કમળની જેમ જે કાદવમાં રહીને પણ ખરડાતુ નથી તેમ દુન્વયી વાતોથી  અલીપ્ત રહેશે.

   આમ આઠ શક્તિ પ્રાપ્ત કરેલ બધા આત્મા પૃથ્વી રૂપી ગરબામાં આત્મા રૂપી અખંડ દીપક જલતા રાખશે કદી અજ્ઞાનની નીંદમાં નહીં ડૂબે અને નાત જાત કાળા ધોળા વગેરે ભેદ ભૂલી લય બધ્ધ બધા સંસ્કારોની રાશ, ફ્ક્ક્ત નવરાત્રમાં જ નહીં કાયમ સાથે રાસ લેશે તો આખું વિશ્વ એક કુટુંબ બની જશે.

 

 

Comments Off on આત્માની અષ્ટ શક્તિ
Fri 20 Sep 2013
પાનખરમાં વસંત
Filed under: સ્વરચના — indirashah @ 9:13 am
                    
 
                     પાનખર વન ઉપવનમાં છે છવાય
                      લાલ પીળા નારંગી પર્ણૉથી સોહાય
                                        પાનખરમાં છે વસંત છૂપાય 
                      શાખાઓ  દુઃખી ડોલંડોલ પર્ણો ખરે
                      પર્ણૉ ઓઢેલ ભૂમી નિરખે હરખાય
                                      પાનખરમાં છે વસંત છૂપાય
                       કોતરી  કોળા બાળકો આનંદે કૂદે
                        આંગણે ચાડીયો ઊભો મુશ્કાય
                                    પાનખરમાં છે વસંત છૂપાય
                      સ્વપ્ન નયનમાં વસંતના પાનખરે
                     સૂકી માટીમાં જૂઇની ફોરમ સૂંખાય
                                     પાનખરમાં છે વસંત છૂપાય
                      ના ડરું હું પાનખરથી હવે જરાય
                      પાનખરે રંગાય જીંદગી જશૅ જીવાય
                                        પાનખમાં છે વસંત છૂપાય

 

Comments Off on પાનખરમાં વસંત
32 queries. 0.260 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.