પૂના કોઇ દિવસ મોડી ન પડે, સવારના છ વાગે કૂ કૂ ઘડીયાળમાંથી કોયલ ડોકી ઊંચી કરી લલકારે,અને ડોરબેલ વાગે,આજે સાત વાગ્યા તોય પૂના નહીં આવી.સરલાબેને બન્ને દીકરીઓના નાસ્તા તૈયાર કર્યા, દિશા, નિશા જલ્દી યુનિફોર્મ પહેરી બેક-પેક લઇ નીચે આવો, નાસ્તો તૈયાર છે. “મોમ મારા મોજા નથી મળતા” “દિશા, નાનીબેનના મોજા શૉધી આપ”, “મોમ હું મારો બેક-પેક તૈયાર કરું છું, હજુ મારે મારા મોજા પહેરવાના છે,તું ઉપર આવ નિશાને હું ક્યારની જલ્દી કરવાનું કહું છું, નથી માનતી,મમ્મી પૂનાબાઇને મોકલને.”

    ”આજે સુરેશ સ્વીઝરલેન્ડ ગયા ત્યારે જ પૂનાએ ખાડો પાડ્યો, જોકે આ સાત વરસમાં ઍક દિવસની રજા નથી લીધી, જરૂર કોઇ કારણ હશે બોલતી બોલતી સરલા ઊપર ગઇ, નિશાને તૈયાર કરી,બન્નેને નાસ્તો આપ્યો.

      ગેટ ખૂલ્યો “હાશ, પૂના આવી ગઇ, હવે એજ રીક્ષામાં બન્ને ને સ્કુલમાં મુકી આવશે”, ડોર બેલ વાગી દરવાજો ખોલ્યો, ડ્રાયવર રામજી “રામજીભાઇ તમે સાહેબને મૂકી જલ્દી આવી ગયા”!

“હા બેન આજે ટ્રાફીક ન નડ્યો”

“સારુ હવે તમે બન્ને દીકરીઓને સ્કૂલે મુક્વા જાવ આજે મોડું થયું છે”,

“નિશા, દિશા જલ્દી કરો રામજીભાઇ ગાડીમાં મુકી જાય છે”.

ગાડીમાં જવાનું સાંભળતા જ બન્ને બહેનોના પગમાં જાણૅ સ્પ્રીંગ આવી, દૂધ પીતા પીતા ઊભી થઇ,બેક-પેક ખભા પર ગોઠવી દરવાજા પાસે આવી.

 “બાય મમ્મી”,

મમ્મીને હગ આપતા નાની નિશા લાડ કરતા

“મમ્મી સાંજે રામજીભાઇ લેવા આવશે ને?”

‘હા બેટા આવશે,સરલાએ પપ્પી કરી,સાડીના છેડાથી નિશાના આંસુ લુછ્યા,

બાય બેટા, જલ્દી જાવ મોડું થાય છે.

રામજીભાઇ દીકરીઑને લઇ નીચે ગયા.

    સરલા હાશ કરી શોભા પર બેઠી.મન પૂનાના વિચારોમાં ૭ વર્ષનો ભૂતકાળ ઊલેચવા લાગ્યું,

     “દિશા દોઢ વર્ષની અને નિશા મારા ઉદરમાં ૬ મહીનાની ત્યારે બાજુવાળા નીલાબેન પૂનાને લઇ આવ્યા તેની સાથે તેની ચાર વર્ષની દીકરી ગૌરી હતી,રૂપાળી,મીઠડી દુશ્મનને પણ વહાલી લાગે તેવી.અત્યારે ૧3 વર્ષની થઇ ગઇ, તે દિવસે દિશાની બર્થ ડૅ પાર્ટીમાં , તેની માને મદદ કરવા આવેલી કેવી રૂપાળી લાગતી હતી, બધા મહેમાનોની નજર તેના પર જતી હતી, ખાસ કહું તો પુરુષોની… તેના પર જ કોઇ આપત્તિ આવી હશે તો!! આજકાલ જુવાન દીકરીઓની છેડતી ડગલે ને પગલે થતી હોય છે, ના,ના ઝોપડપટીમાં રહેતા માણસો કોઇ બહારનાની બૂરી નજર પોતાની બસ્તી પર પડે તો તે વ્યક્તિના બૂરા હાલ કરે.. સફેદકોલર વિસ્તારવાળા આંખ આડા કાન કરે. આપણે કોઇના પર્સનલ મામલામાં નહીં પડવાનું, છટકબારી….

     ટ્રીન ….ડોરબેલ વાગી, બારણું ખોલતા જ સામે પૂના અને તેની દીકરી ગૌરી બન્નેના ચહેરા ઊદાસ, આંખોમાં ગભરાટ..ગૌરીની આંખો લાલ.

“પૂના શું થયું? મા દીકરી કેમ આટલા બધા ગભરાયેલા છો?

 બન્ને અંદર આવ્યા સરલાએ ડૉર બંધ કર્યું, મા દીકરીને બેસાડ્યા,પાણી આપ્યું.

  “બેન અમારી નાતમાં છોડીઓ(છોકરીઓ)ની આ મજબૂરી, કહેવાય નહીં ને સેવાય નહીં, શહેર કે ગામડું વાંદરો ગુંલાટ ભૂલે નહીં, મારી જે દશા મારા ભઇજીના દીકરાએ કરેલ અને મને ચાર દિમાં પલ્લુ(ક્ન્યાની અપાતી કિંમત)ની રકમ લઇ મારા બાપાએ મને ત્રીજ વર મારાથી તરીહ વરહ મોટા હારે વળાવી, દીધેલ તે આ ગૌરી દુનિયામાં આવી, મારા અને ગૌરી બેઉના નસીબ, બચી ગ્યા.”

      “ પૂના કેમ એમ બોલે છે?”

     “બેન મારી મોટીબેનને ખેતરને સિમાડે પિત્રાઇ કાકાએ બળાત્કાર કરી બેજીવી કરેલી, ગભરાટમાં કોઇને વાત નહીં કરી બે મહીને બકારી થઇ ત્યારે મારી માને ખબર પડી, ગામડાની દાયણ પાહે લઇ ગ્યા પડાવવા, દાયણે કોઇ ઝેરી વનસ્પતિના દાંડા કોથળીના મુખમાં નાખ્યા ને કીધુ સવાર પડતા ગરભ પડી જશે, કલાકમાં જ લોહીની ધાર વહેવા માંડી જલ્દી ટ્રેકટરમાં શહેરના દવાખાને લઇ જવી પડી, દાકતરને મારીબેનનો જીવ બચાવવા કોથળી (ગર્ભાશય) કાઢવી પડી.આ મારી નજરે જોયેલું એટલે જેવા દસ દી ઉપર ગ્યા ને મારી માને વાત કરી દીધી.”

    “ આ ગૌરી ચાર વરહની થઇ ને મારો ચૂડલો ભાંગ્યો, સારું થજો મામાનું  મને ને ગૌરીને મુંબઇ લઇ આવ્યા, મામા તો બહું સારા છે, એમનો દિકરો નપાવટ મારી ગૌરી પર બળાત્કાર કર્યો, આજે સવારે ઊઠતાવેંત ચોકડીમાં વમન કર્યું, મેં પુછ્યું રાત્રે શું ખાઇને આવી ‘તી,ક્યારે બાર બેઠી’તી? કંઇ બોલે જ નહીં, જાણે મોઢામાં મગ ભર્યા હોય.

  બે ધોલ મારી ત્યારે માંડ નામ દીધું ને બોલી બે મહીના થ્યા છે, શહેરમાં હું દાયણ ક્યાં ગોતું? બેન તમે કાંઇ રસ્તો બતાવો, પૂના એક શ્વાસે બોલી ગઇ.

  “પૂના તું ચિંતા નહિ કર, હવે ગૌરીને મારતી નહીં, આવી રૂપાળી પરી જેવી દીકરી પર તારો હાથ કેમ ઉપડયો?”, તે દિવસે પાર્ટીમાં શાહ સાહેબે ગૌરી ને જોઇ ત્યારથી મને કહે છે, મારે આ છોકરીને ફિલ્મમાં લેવી છે, હું તને આજ વાત કરવાની હતી, સારુ થયું તું એને લઇને આવી..

     શાહ સાહેબ કોણ બેન?

    શાહ સાહેબ સિનેમા બને તેમાં નાણા રોકે છે, શાહ સાહેબની ભલામણથી તારી ગૌરી અભિનેત્રી બની જશે.

“મા માસી મને પેડૂમાં ખૂબ દુઃખે છે,, જલ્દી કંઇ કરો મારો જીવ જાય છે”,

સરલા અને પૂના તુરત ઊભા થયા પૂના ગૌરીને બાથરૂમમાં લઇ ગઇ, બાથરૂમમાં લોહી સાથે ગર્ભ પડી ગયો, સરલાએ ડો દફતરીના પ્રસુતિ ગૃહમાં ફોન કર્યો, ડો લીના આવી ગયેલ, સરલાની બચપણની બહેનપણી અને હવે તેની પર્સનલ ડોકટર.તેની સાથે ગૌરીની વિગતવાર વાત કરી.લીનાએ વાત સાંભળી તુરત જ એપોઇન્ટમેન્ટ આપી.

     સરલા પૂના અને ગૌરી રીક્ષામાં દવાખાને પહોંચ્યા, ડૉ.લીનાએ તપાસ કરી દવા લખી આપી, ગૌરીને સમજાવ્યું, માસિક નિયમીત આવે તે માટે દવા છે ત્રણ મહિના સુધી લેવાની.સરલાએ ગૌરી અને પૂનાને બહાર બેસવા કહ્યું, પૈસા કાઠ્યા લીનાના ટેબલ પર મુક્યા,.

  સરલા આ શું કરે છે?, તારા પૈસા લેવાના હોય? શિષ્ટાચાર રહેવા દે,મુકીદે પાછા.

 લીના,એમ વાત નથી, ખરેખર આપું છું, તું મારા ન લે પણ આ તો પૂનાની દીકરીના છે.

તને ખબર તો છે હું બળાત્કારનો ભોગ બનેલ માસુમ બાળાના પૈસા લેતી નથી.

    “લીના કોઇ વખત મને વિ્ચાર આવે છે,તું આ સારુ કામ કરે છે, પરંતુ તને નથી લાગતુ કે આમાં આપણી દીકરીઓ પણ જવાબદાર છે, આજકાલ જુહુ બીચ પર વહુ દીકરીઓ ટુંકા નામને પણ શરમાવે તેવા વસ્ત્રો પહેરી બિન્દાસ ફરતી હોય છે, તેમા પૈસાવાળા, સમાજમાં પ્રતિષ્ઠા મોભો ધરાવતા માતા પિતાના સંતાનો વિષેશ જોવા મળે છે.આવા વસ્ત્રો જુવાન પુરુષને ઉત્તેજીત જ કરે ને,  વિશ્વામિત્ર જેવા યોગીનું મન મેનકાને જોય ચલીત થયેલ, તો આ કળીયુગના પુરુષોનો શું વાંક?..

  સરલા તારી વાત સાવ સાચી છે, એટલેજ મેં માસુમ બાળાઓ શબ્દ વાપર્યો છે, જેમાં ગૌરી જેવી અને મધ્યમ વર્ગીય દીકરીઓના સમાવેશ થાય છે, પૈસાવાળાના કેસમાં બ્લેક્મેલ કરવા અને પૈસા પડાવવાનો હેતુ વધુ હોય છે.આવા કેસ હું નથી લેતી.

જ્યારે મધ્યમ વર્ગની બાળા અને પૈસાવાળો પરણીત યુવાન બે એકલા આવે ત્યારે હું યુવાન પાસેથી પૈસા લઉ અને બાળાને યોગ્ય સલાહ આપું,અને બન્ને મધ્યમ વર્ગના હોય ત્યારે માબાપને જાણ કરી વહેલામાં વહેલી તકે પરણી જવાની સલાહ આપું.

“આ બધી તને ખબર કેવી રીતે પડે?”

એપોઇન્ટમેન્ટ આપતા પહેલા મારી સોશ્યલ વર્કર બધી માહીતિ મેળવી મને જાણ કરે, પછી જ એપોઇન્ટમેન્ટ આપે.

“લીના હવે હું રજા લઉ, મેં તારો ઘણો સમય લીધો “.

સરલા આજે બુધવાર હું સવારે પેપર વર્ક જ કરું છું,અને તારા જેવા સગા સંબંધી ના કેસ લઉ છું,એટલે તારી સાથે થોડી ચર્ચા કરી, તું હવે જા અને હું મારું પેપર વર્ક કરું,આવજે.

આવજે

સરલા પૂના ગૌરી ઘેર આવ્યા,

પૂના તારે હવે ગૌરી સાથે અહીં જ રહેવાનું છે, નીચે સર્વન્ટ ખોલી છે, તે ખાલી છે, તેમાં તમે બન્ને રહેજો તારા મામાની ખોલી તેમને પાછી આપી દેજે, શાહ સાહેબ ગુજરાતી સિરિયલ શરુ કરવાના છે તેમાં ગૌરીને કામ મળી જશે. મેં વાત કરી દીધી છે આવતી કાલે ડાયરેક્ટર સાથે ઘેર આવશે બધુ નક્કી કરી જશે.પછી હું એને શુટીંગ હશે ત્યારે મુકી આવીશ ફોન આવે ત્યારે લેવા જઇશ.

     બેન આટલું બધું?તમારો મોટો પાડ, હું આનુ વળતર કે’દી વાળીશ?

બસ હવે પાડ, વળતરવાળી કામે વળગ,

બેન તમે,આજ, મને અને મારી દીકરીને મજબૂરીની જીદગીમાંથી છોડાવ્યા….