પરિપકવ પ્રણયની યાત્રા
રિતેશ અને રીના, અશોક અને અમી.,બન્ને દંપતીની આજે ૪૦મી લગ્ન જયંતી, વાઇન ટોસ કરતા અશોકભાઇએ પુછ્યુ ”રિતેશ તું અને રીના ક્યાં અને કેવી રીતે મળ્યા એની વાત તો કર.”
“અશોક આપણે આટલા સમયથી સાથે લગ્ન જયંતી ઊજવીએ છીએ તો આજે અચાનક કેમ આ સવાલ?”
“જોને આજકાલના પ્રેમ લગ્નના પરિણામ કેવા આવે છે!! અમારા સગામાંજ દીકરીએ હાઇસ્કુલ પ્રેમી સાથે લગ્ન કર્યા. બન્ને સાથે યુ.એચ માં ગયા.કોલેજ પુરી કરી લગ્ન કર્યા. બે વર્ષમાં છુટાછેડા!!દર રવિવારે પતિદેવ સોફામાં આડા પડી આરામથી ફુટબોલ ગેઇમ જુએ,અને પછી બેઉ વચ્ચે તડફડ અને છુટાછેડા.
“તમે બન્ને આટલા વરસોથી ડોકટર પ્રેકટીસ કરો છો,બન્ને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યું,બન્નેને યોગ્ય વયે પરણાવ્યા,આ બધાનું રહસ્ય શું?
“ તે તો મને ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા. ક્યાં મળ્યા ત્યાંથી શરૂઆત કરુ છું.સૌથી પહેલી વાર અમે મળ્યા એલીફન્ટા જતી નાની ક્રુઝ બોટમાં ૧૯૬૧ના ડીસેમ્બરમાં અમારી કોલેજની પિકનીક્માં રીનાની બહેનપણી નલિની જે મારા ક્લાસમાં હતી તેની મહેમાન તરીકે રીના આવેલ,ત્યારે ઓળખાણ થયેલ.
અમીઃ”વાહ આ તો ફસ્ટ સાઇટ લવ!!”
રીનાઃ“અમી, એવુ નથી,પરંતુ ત્યાર બાદ અમો અવાર નવાર મળતા. રિતેશનો મિત્ર હસમુખ મારા ક્લાસમાં હતો એટલે રિતેશ તેને મળવા મારી કોલેજમાં આવે ત્યારે મને મળે,અને હું નલિનીને મળવા એની કોલેજમાં જાઉ ત્યારે રિતેશને મળું.સાથે લાયબ્રેરીમા વાંચીએ અને કોઇ વાર મહાલક્ષ્મી મંદિર પાછળના દરિયા કિનારે પત્થર પર બેસી વાતો કરીએ તો ક્યારેક ચર્ચગેટ-રેશમ ભવનમા ચા પીતા વાતો કરીએ,વધારે તો ૧૯૬૨માં બન્યું તે રિતેશ જણાવશે.
રિતેશઃ“કેમ તને શરમ આવે છે!?”
“નોટ એટ ઓલ,આઇ એમ પ્રાઉડ ઓફ ઇટ”.
રિતેશઃ”૧૯૬૨માં અમે સેકન્ડ એમબીબીએસ માં હતા.અમે નવ મિત્રો, પાંચ છોકરા અને ચાર છોકરીઓએ ક્રીસમસ વેકેશનમાં ઇલોરા-અજંટા જવાનુ નક્કી કર્યુ.બોરીબંદરથી ટ્રેનમાં ઔરંગાબાદ પહોંચ્યા.ત્યાના ગેસ્ટ હાઉસમાં માંડ બે રૂમ મળી. બસમાં ઇલોરા-અજંટા ગયા. ત્યાંની ગુફાઓ અને અજંટાના સુંદર રંગોના ભિત્તિ ચિત્રો અને શિલ્પકળા જોતા અમે બન્ને વધુ નજીક આવ્યા,હું તક મળે થોડા અડપલા કરવા પ્રયત્ન કરતો પણ રીના શરમાઇ મીઠો છણકો કરતી,અને હું અટકી જતો.ત્યાંથી દૌલતાબાદનો કિલ્લો જોવા ગયા દૂર હતો એટલે સાયકલ અને ઘોડાગાડી પર જવાનુ નક્કી કર્યુ,મને સાયકલ બહુ આવડતી ન હતી પણ સાહસ કર્યુ,રીના ઘોડાગાડીમા હતી,મેં તેને હાથ વેવ કર્યો અને બેલેન્સ ગયુ, પડયો,સારા એવા ઉઝરડા થયા,બધા અટક્યા,રીનાએ તુરતજ પર્સમાંથી નાની તાત્કાલીક સારવાર કીટ કાઢી, નીચે બેસી મારા ઘા સાફ કરી અને ડ્રેસીંગથી કવર કર્યા.ત્રણ દિવસની ટુર દરમ્યાન રીનાએ મારી ખુબ સારવાર કરી,પાછા આવતા ટ્રેનમાં પુરતી જગ્યા ન મળતા બધા નીચે બેઠા ત્યારે રીનાએ આખી રાત મારુ માથુ ખોળામા રાખી મને સુવા દીધો.અને ત્યારથી મિત્રતા પ્રેમમા પાંગરી.
“અને પછી તો રિતેશ અઠવાડિયામાં ત્રણ વખત બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર ગુલાબના ફૂલ સાથે મને મળવા આવે.”
“ અરે વાહ રીના તુ નસીબદાર!! મને તો વેલેન્ટાઇન દિવસે અશોકને યાદ રહે તો ગુલાબ મળે તો….”
અશોકઃ“અમી આપણા લવ મેરેજ નથી.કદાચ આવતા જન્મમાં પ્રેમ પંખીડા થઇએ તો રોજ ગુલાબ આપીશ અત્યારે તો આ બેઉની વાત સાંભળ.તમે બન્ને વાણીયા-બ્રાહ્મણ તો તમારા પેરન્ટસ કેવી રીતે માન્યા? તે જમાનામા તો પ્રેમીઓ ભાગીને જ લગ્ન કરતા કે આપઘાત કરતા,તમારા મેરેજના આલ્બમ જોતા તો એરેન્જ મેરેજ જ લાગે છે.
“અશોક્ભાઇ,સાચી વાત,મારા ઘરનાને વધારે વાંધો હતો. અમે નવ ભાઇ બહેનો એટલે એકના પણ પર જ્ઞાતિમાં લગ્ન થાય તો ઘર વગોવાય અને બીજા બાળકોને વરાવવા મુશ્કેલ બને,પરંતુ અમે નક્કી કરેલ બન્નેના પેરન્ટસ માને નહીં ત્યાં સુધી લગ્ન નહીં કરીએ.મિત્ર તરીકે રહીશુ.એક દિવસ નલિની સાથે રિતેશ મારે ઘેર આવ્યા. મારા મોટા ભાઇ-ભાભી, બહેનો-ભાઇઓ, અને બા સાથે ઓળખાણ કરાવી.ત્યાર બાદ રિતેશ અને હું સાથે ઘેર આવીએ અને વાંચીએ,સાંજે ક્યારેક જુહુ પર ચાલવા જઇએ તો સાથે બે વરસની ભત્રીજીને લઇને જઇએ,બધા વડિલોને ખાત્રી થઇ અમારી મિત્રતા ઉચ્ચ કૌટુંબીક લાગણી સભર છે.અમારા ઘરનો કાયદો રાત્રે નવ વાગ્યા સુધીમાં બધાએ ઘેર આવી જવાનુ જેનુ અમે પાલન કરતા.
અમારી ઇનટર્નશીપ શરુ થઇ અને મારા પર જ્ઞાતિના ડો-મુરતિયા જોવાનુ દબાણ.અમે બેઉએ મારા બા- કાકાને(મારા પિતાશ્રીને અમો કાકા કહેતા)પત્ર લખ્યો, મે સવારે મારા કાકાના કોટના ખીસામાં મુક્યો. બીજે દિવસે કાકા અને મોટાભાઇ સાથે કારમાં હોસ્પીટલ જવાનુ થયુ.રસ્તામા કાકાએ પુછ્યુ “તું ડો-રિતેશ સાથે ગામડામાં રહી શકીશ?”મેં વિશ્વાસપૂર્વક જવાબ આપ્યો હા.
મોટાભાઇઃ”તેં એનામાં શું જોયું?”જવાબમાં મારુ મૌન.થોડી વાર બાદ કાકા બોલ્યા,
“સારુ બેટા તો હું અને તારી બા લીંબડી જઇ આવીએ”
બા,કાકા રિતેશના બા બાપુજીને ત્યા લીંબડી જઇ આવ્યા, સાથે નાની બેનના લગ્નમા મુંબઇ આવવાનુ આમંત્રણ પણ આપતા આવ્યા.
રિતેશઃ”આમંત્રણ સ્વીકારી મુંબઇ તેઓ પહેલી વખત આવ્યા ત્રણ ચાર દિવસ રોકાયા રીના મારી બાની સાથે જ રહી થોડી ખરીદી પણ કરાવડાવી”.
“છ મહિનામાં અમારા લગ્ન થયા.મારી સર્જરીની રજીસ્ટારશીપ ચાલુ હતી, રીનાએ ગાયનેક પછી એનેસ્થેસિયામા મારી હોસ્પીટલમા રેસિડન્સી લીધી,ક્યારેક હું ડો.ધૃવસાહેબને તેમના ડિપાર્ટમેન્ટ વિશે ફરિયાદ કરુ તો ધૃવસાહેબ હસે “અરે તુ તો અમારા ડિપાર્ટમેન્ટનો જમાઇ તારે ફરિયાદ ના કરાય.”અમારા બન્નેની ટ્રેનીંગ પુરી થઇ. રીના સગર્ભા થઇ બાળકના જન્મ પહેલા તેણીએ બે ડિપ્લોમા પાસ કર્યા ડીજીઓ અને ડીએ.ત્યાર બાદ ગાંધી હોસ્પિટલમા જોબ લીધો.મારી એમ.એસ પરીક્ષાના ટેન્સનમા મિત્રના આગ્રહથી સિગરેટ પીવાની શરુ કરી.રીનાને પ્રોમીસ આપ્યુ પરીક્ષા પછી બંધ કરી દઇશ .”
રીનાઃ”પરીક્ષાનુ પરિણામ અઠવાડીયામા આવ્યુ પરંતુ સિગરેટ ના છુટી.”તે દિવસે સવારે ઝાલાવાડ પત્રિકા લઇ કાકા મારા ઘેર આવ્યા,ઉનાળાનુ વેકેશન હોવાથી બા બાપુજી પણ મુંબઇ હતા.કાકાએ પત્રિકા બાપુજીને આપતા કહ્યું “જુઓ દીપચંદભાઇ ડો-રિતેશે આપણા બન્નેનુ અને ઝાલાવાડનુ નામ રોશન કર્યું.
બાપુજીએ વાંચ્યુ”ઝાલાવાડના સુપુત્ર અને સ્થાનક્વાસી જૈન વિદ્યાલયના વિદ્યાર્થી ડો-રિતેશ દીપચંદ શાહ.એમ એસ પરીક્ષમાં પહેલો નંબર અને મેડલ વિજેતા.”હું ત્રણેયની આંખમાં હરખના અશ્રુ નિહાળી રહી.
રિતેશઃ”પછી બા બાપુજીની ઇચ્છાને માન આપી અમો વતન ગયા.ત્યાં સાર્વજનીક હોસ્પિટલમાં રીનાને ગાયનેકોલોજીસ્ટ અને મને સર્જન તરીકે જોબ મળ્યો.બે વરસ બાદ,કહેવાતા સામાજીક કાર્યકર્તા સાથે સહમત ન થતા.પોતાનું મેટર્નિટી અને સર્જીકલ નર્સીંગહોમ શરુ કર્યું.ગરીબ ગંભીર નકારેલ દર્દીઓ પર સર્જરી કરી જાન બચાવ્યા.રીનાની બહેને પીટીસન ફાઇલ કરેલ નંબર લાગ્યો વીસા મળ્યા.”
રીનાઃ”દ્વિધા,૧૪ વરસની એસ્ટાબ્લીશ્ડ પ્રેકટીસ નામ,બધુ છોડી બે ટીનેજ બાળકો સાથે અમેરિકા જવુ કે નહીં?!પરંતુ રિતેશને તેની ટેલેન્ટને પુરતો સ્કોપ મળી રહે માટે આવ્યા,ફરી રેસીડન્સી કરી પરીક્ષાઓ આપી રિતેશ કાર્ડીયોવાસ્કુલર એનેસ્થિસ્યોલોજીસ્ટ થયા અને હું એનેસ્થિસ્યોલોજીસ્ટ.”
અશોકભાઇઃ”ગ્રેટ,લેટ્સ હેવ સેકન્ડ ટોસ તમારી અજોડ કહાની પર.”