રમામાસી હંમેશા કંઇ ને કંઇ કરતા જ હોય, સિનેમા જોવા જાય તો પણ હાથમાં અંકોડી સોયો અને દોરાની થેલી હોય, થેલી પણ પોતાની જાતે ગુંથેલી જ વાપરે. માસીને બહેનપણીઓની સાથે મેટૅની શોમા જ સિનેમા જોવાનું બને.માસી અને માસા બે એકલા.માસાને સ્ટીલના વાસણો બનાવવાની ફેકટરી,એટલે સવારના સાત વાગ્યામાં અંધેરીથી ભાયંદર જવાની ટ્રેન પકડે રાત્રે નવ વાગે ઘેર આવે,માસી ઘરનું કામકાજ પતાવી પોતાની પ્રવૃતિ-ભરત ગુંથણ, કે કોઇ વખત બાજુના ફ્લેટમાં રહેતા રક્ષાબેનની દીકરી રુચીરાને રોટલી, ભાખરી બનાવતા શિખવે,તો કોઇ વાર નવપરણીત શર્મીને તેના પતિ સાહિલને ભાવતા ફરસાણ, મીઠાઇ બનાવતા શિખવાડે.

આખા બિલ્ડીંગમાં કોઇને કાંઇ પણ નવુ શિખવુ હોય, રસોઈ કે ભરતકામ, શીવણકળા વગેરેમાં માર્ગદર્શન જોઇતુ હોય, તો તુરત માસી પાસે પહોચી જાય, માસી બધાને હોંશથી શિખવાડે, સલાહ સુચન આપે.માસી કોઇવાર સાસુની જગ્યા લે,તો કોઇવાર માની મમતા આપે, બધી બહેન, દીકરીઓ, વહુઓ માસીના સલાહ સુચનને અમલમાં મુકે.

માસી નાના બાળકોના પણ એટલા જ માનીતા, વેકેશનમાં બિ્લ્ડીગના બાળકો બપોરના માસીના ઘેર પહોચી જાય, માસી બધાને પ્રેમથી આવકારે,કોઇ વાર પતા રમે, તો કોઇ વાર ચેસ, ચેકર, સાપ-સીડી જેવી રમતો રમે અને રમાડે,કોઇ વાર મોટા બાળકો સાથે મોનોપોલી જેવી રમત પણ રમે.

માસીને એક દિકરો અમૃત, પુના એનજીન્યરીંગના છેલ્લા વર્ષમાં ભણે, વેકેશનમાં દિકરો ઘેર આવે,

ત્યારે મા, દિકરાના આગ્રહને વશ થઇ, રમણભાઇ માણસોના ભરોસે કારખાનુ મુકી, એક અઠવાડિયા માટે ત્રણે જણા સાથે વેકેશન પર જાય. સહવાસ સાથે નૈસર્ગિક આનંદ મેળવે, આખા વર્ષનુ ભાથુ ત્રણે જણાને મળી જાય.

અમૃત ઘેર હોય એટલા દિવસ રોજ સવારના ગરમ ભાખરી,મોરબીવાળાના ફાફડા,મરચા નો નાસ્તો ટેબલ પર ગોઠવાઈ જાય.કાઠીયાવાડના જૈન માટે કહેવાય કે “સવારના ગાંઠીયા ના ખાય તો ટાંટીયા ના હાલે”.

રમાબેનઃ  “અમૃત બેટા તૈયાર થઇ જા, નાસ્તો તૈયાર છે.”

” આવ્યો મમ્મી, બોલતા જ ડાઇનીંગ ટેબલ તરફ દૃષ્ટિ કરી, “વાવ મમ્મી ફાફડા ગાંઠીયા, સુખડી, પણ મમ્મી જલેબી નહીં?

ત્યાં રમણભાઇ પણ દાખલ થયા “બેટા મને તો ગરમ જલેબીની સુગંધ આવે છે તારી મમ્મી દિકરા માટે ગરમ ગરમ જલેબી તળતી હોવી જોઇએ!”

ત્યાં જ રમાબેન ગરમ જલેબીની પ્લેટ લઇ આવ્યા “અરે હજુ તમે શરુ નથી કર્યુ!! “

“મમ્મી અમે તારી રાહ જોતા હતા”,

“મારી રાહ!! સમજી તારી પ્રિય જલેબીની રાહ જોતો હતો,”

“રમણભાઇઃ “ચાલો હવે તો મમ્મી અને જલેબી બન્ને આવી ગયા, મારા મોંમા તો ક્યારનુ પાણી આવે છે”,બોલતા જલેબી મોંમા મુકી.

બધાએ ખાવાનુ શરુ કર્યુ, સમુબેન મસાલા ચાની કિટલી મુકી ગયા.રમાબેને બધાના કપમાં ચા તૈયાર કરી રમણભાઇના કપમાં ઇક્વલ નાખી.

અમૃતઃ “કેમ ઇક્વલ નાખે છે? પપ્પા ખાંડ નથી ખાતા?!!

“બેટા છેલ્લા બે વર્ષથી તારા પપ્પાને ડો.મેહતાએ ખાંડ બંધ કરાવી છે,ડાયાબિટીસની ગોળી લે છે”.

“તો પપ્પા તમારે જલેબી ના ખવાય, મમ્મી, તે કેમ ખાવા દીધી!!”

“હા બેટા નથી ખાતો, આજે ઘરની બનાવેલ હતી એટલે ખાધી ,તારી મમ્મીએ મીઠાઇ બનાવવાનુ જ બંધ કરી દીધુ છે. તારા માનમાં આજ જલેબી બની.”

“એમ સાવ બંધ નથી કર્યુ, તારા પપ્પાને તો રોજ જમ્યા પછી ગળ્યુ જોઇએ તે હવે બંધ કર્યુ છે,અઠવાડિયામાં એકાદ વખત ગોળની મીઠાઇ બનાવી આપુ છું.”

“મમ્મી કાલે શ્રીખંડ નહીં બનાવતી ગોળની પુરણપોળી બનાવજે”.

“બેટા હું તારા પપ્પા માટે ઇક્વલનો શ્રીખંડ બનાવીશ; મે દહીં મેળવી દીધુ છે,અને તારા પ્રિય ખમણની તૈયારી પણ થઇ ગઇ છે “.

“અમૃત, ચાલો બેટા તમારી મા દિકરાની વાતોમાં ટ્રેન ચુકી જઇશુ તો અડધો કલાક સ્ટેશન પર બેસવુ પડશે”.

જી ચાલો પપ્પા “જય જીનેન્દ્ર”મમ્મી”.

“જય જીનેન્દ્ર”

બાપ દિકરો કારખાને ગયા,કોલેજમા આવ્યો ત્યારથી દર વેકેશનમા અમૃત પપ્પા સાથે સવારના કારખાને જાય, મશીન વગેરે જુવે,પપ્પા અને સિનિયર વર્કર ચંપકકાકા જે રમણભાઇના દુરના સગા થાય,તેઓની સાથે નવી આધુનિક ટેકનોલોજી વિષે ચર્ચા કરે,રમણભાઇ દિકરાને સ્ટેનલેસ્ટીલના ધંધા્મા થતી હરિફાઇ અને ટ્રીક ઓફ ટ્રેડની સમજણ આપે.બપોરે ૧ વાગે ઘેરથી ટીફિન આવે, બન્ને બાપ દિકરો સાથે લંચ જમે,આ રીતે અમૃતને ધીરે ધીરે ભણતર સાથે ગણતરનો પણ લાભ મળતો.

રમામાસી, સમુબેન રસોડામાં અમૃત માટે નાસ્તા બનાવવાના કામમા લાગી ગયા.જીરાના,અને મેથીના ખાખરા બનાવ્યા,મગની પુરી બનાવી, શેકેલા પૌંવાનો ચેવડો બનાવ્યો.

રમાબેનઃ સમુ, હજુ ચકરી બનાવવાની બાકી છે

સમુઃ માસી આજ જ બધુ બનાવ્યુ !! હજુ તો ત્રણ અઠવાડીયા વેકેશનના બાકી છે ને?!!

રમાબેનઃ આ વર્ષે ભાઇને બે અઠવાડીયાનુ જ વેકેશન છે, ભાઇએ બે વિષય વધારે લીધા છે,એટલે ડીસેમ્બર મહિનામાં ભણવાનુ પુરુ કરી અહીં આવી જશે, તારા માસાને મદદ કરવા.

સમુઃ માસી તમારો અમૃત કેટલો ડાહ્યો દિકરો છે, આ અમારો જુઓ, ૧૨મા માં બે વાર નાપાસ થ્યો છે, તોય એનો બાપ ચડાવે છે, આ વર્ષે મારી ના ઉપરવટ હપ્તાથી ટીવી લઇ દીધુ,બાપ દિકરો બેઉ મંડી પડ્યા, મમ્મી ટીવી હોય તો દુનિયાભરના સમાચાર જાણવા મળે,અને ક્લાસમાં એના ભાઇબંધો ટીવીની અલક મલકની વાતો કરતા હોય ત્યારે આપણો દિકરો બાઘાની જેમ સાંભળ્યા ન કરે; એ લોકોની વાતોમાં ભાગ લઇ શકે.ઉપરથી એની બેનેય ટાપશી પુરી; મમ્મી બાપુની ને વિનયની વાત સાચી છે,મારી બેનપણીઓ ટીવી ના શો વિશે વાતો કરતી હોય છે ત્યારે હું બાઘાની જેમ સાંભળુ છુ, અને કોઇ વાર બહાનું કાઢી લાયબ્રેરીમાં જતી રહુ છુ.

રમામાસીઃ તારી તરલા ડાહી કહેવાય,પણ એનેય ટીવી જોવાનુ મન તો થતુ જ હોય,તે ટીવી વસાવ્યુ એ સારુ કર્યુ, તમારે ચારેય જણાએ કલાક દોઢ કલાકથી વધારે નહીં જોવાનુ,એવો નિયમ જ કરી દેવાનો.

સમુઃ માસી મારી તરુ પર હું ભરોસો રાખુ, પણ આ દિકરો મારો નપાવટ છે.

“સમુ પોતાના સંતાન માટે એવુ ના બોલીયે,પ્રેમથી સમજાવીએ.જા હવે ઘરભેગી થા, ગાંઠીયા અને જલેબી લેતી જા તારા વિનય અને તરુ માટે, આ વર્ષૅતારી તરુ બીએ થઇ જશે, તારો ૫૦% ભાર હળવો થઇ જશે.

“માસી દીકરીને સારા ઠેકાણે વળાવીએ નહીં ત્યાં સુધી ભાર હળવો ના થાય.’

“સમુ આ જમાનામાં દીકરી અને દિકરા સરખા, આજે ભણેલી દીકરીઓ નોકરી કરે છે, મા બાપની પડખે દિકરાની જેમ ઊભી રહે છે. સૌ સારા વાના થશે, દીકરીના લેખ જ્યા લખાયા હશે, ત્યાં જશે,તારી તરુમાં તો રૂપ અને ગુણ બેઉ છે, સારે ઠેકાણે જ જશે”.

“માસી, તમારા વડીલોના આશીર્વાદ.તમારી સાથે વાતો કરી સારુ લાગ્યુ”,માસીના સુયા અને દોરા પર ફરતા હાથ તરફ નજર કરી બોલી. “માસી તમારે હજાર કામ હોય અને મેં તમને ખોટી કર્યા,”

“અરે ગાંડી, એમા શું,મારા હાથ કામ કરે છે તેં ક્યા એને ખોટી કર્યા છે,વાતો કરી તારુ હૈયુ હળવુ કર્યુ,મનેય ગમ્યુ,જા હવે ખોટી ચિંતા ના કરીશ.

“આવજો, જય જીનેન્દ્ર”

“જય જીનેન્દ્ર”.

આમ રમામાસી નાના મોટા બધા સાથે પ્રેમથી વાતો કરે.વાત વાતમાં શિખામણ પણ આપે.

અમૃતનુ વેકશન પુરુ થયુ, મમ્મીએ આખી બેગ નાસ્તાની પેક કરી.

“મમ્મી આખી બેગ નાસ્તાની !?

“બેટા આ બધા પેકેટ એર ટાઇટ છે એટલે ૪-૬ મહિના સુધી બગડશે નહીં,તુ દિવાળીના વેકેશનમાં આવવાનો નથી એટલે આટલા નાસ્તા તો જોઈશેને?”

“મમ્મી, તુ દિવાળી પર મને ઘુઘરા,ઘારી મઠીયા સુવાળીનુ પાર્સલ નથી કરવાની?”

“બેટા, એ પાર્સલ તો કરવાના જ હોય ને. એ તો કરીશ,દિવાળીને તો ઘણી વાર છે,ત્યા સુધી આટલો નાસ્તો તો પતી જશે,પરીક્ષા આવે, રાત્રે જાગે એટલે ચા સાથે નાસ્તા તો જોઇએ”.

સારુ મમ્મી,તુ કહે તેમ”, આમ વાતો કરતા ટેક્ષીમા સામાન ગોઠવાયો,બોરીબંદર સ્ટેશન પહોંચ્યા,ડેકન- ક્વીનમા અમૃત પુના જવા રવાના થયો.ગાડીની સ્પીડ કરતા વધુ ઝડપે અમૃતના વિચારો દોડવા લાગ્યા,ગાડી પહોંચતા પહેલા પુના પહોંચી ગયો,રીક્ષા કરી સામાન હોસ્ટેલ પર મુકી સીધા ડીનને મળવા જવાનુ છે, હા એ પહેલા ફેકલટી સેક્રેટરી ડીસોઝા પાસેથી ફડકે સાહેબ અને દેશમુખ સાહેબના લેટર હેડ પર ટાઇપ  રેકમેન્ડેશન લેટર લેવાના છે.બન્ને સાહેબો સાથે રૂબરુ વાત તો થયેલ છે, સેક્રેટરીને પણ જતા પહેલા યાદ કરાવી દીધુ હતુ. ગયા ક્રીસમસ પર મમ્મીએ હાથે બનાવેલ મોતીની પર્સ ગીફ્ટમાં આપી છે,આમ જુઓ તો સફેદ કોલર રુશ્વત; ,કહેવાતા સુધારકોએ પાડેલ નામ; પરન્તુ, ગીફ્ટ આપો તો જ કામ થાય.બન્ને સાહેબોના મેડમ માટે મમ્મીએ જાતે બનાવેલ કો્સ્ચ્યુમ જ્વેલરી સેટ આપેલ છે,તે આજે જ લેટર લેવા જઇશ ત્યારે બન્ને સાહેબને રૂબરુ આપી દઇશ.”

આમ વિચારોના વેહણમાં અમૃત ફેકલટીની ઓફિસમાં પહોચ્યો.

“ગુડ મોર્નીંગ મિસ ડિસોઝા”

“ગુડ મોર્નીંગ” બોલી મિસ ડિસોઝાએ સોહામણા સ્મીત સાથે અમૃતને કવરમાં બીડેલ રેકમેન્ડેશન લેટર આપ્યા.વીશ યુ ઓલ ધ બેસ્ટ બોલી શેકહેન્ડ કર્યા.

“થેંક્સ એ લોટ, મીસ ડિસોઝા”.

હાશ, ૮૦% કામ તો ધાર્યા કરતા ઝડપથી પત્યુ, પતેજ ને, મમ્મીની સાચી લાગણીથી જાતે બનાવેલ પર્સ હાથમા લે એટલે મમ્મી જેવી લાગણી થાય જ.કહેવાય છે કે કોઇ પણ વસ્તુ બનાવો ત્યારે જો પ્રેમ આનંદ ઉત્સાહ સાથે બનાવેલ હોય તો તેવી જ લાગણી વસ્તુ વાપરનારને પણ જરૂર થાય.

ડીનની ઓફિસ ગયો, બહાર કોઇ બેઠેલ દેખાયુ નહીં.અમૃત ખુશ થયો ચાલો મારો જ નંબર પહેલો છે.પણ એમ ઓફિસનો પટાવાળો જવા દે!તો તો પટાવાળો પોતાની ફરજ ચૂક્યો ગણાય;જેવો અમૃતને ડીન સાહેબની કેબીન તરફ જતા જોયો કે તુરત તમાકુ ચોળવાનુ બંધ કરી અધકચરી જડબામાં ખોસી, હરણભાળ ભરતો આવ્યો “કોણ છો તમે? અંદર જશો નહીં, મોટા સાહેબ ઘણા કામમાં છે આજે કોઇને મળવાના નથી.”

“હું સિનિયર વર્ષનો વિદ્યાર્થી છું, મારે ખુબ જ અગત્યનું કામ છે.આજેજ મળવુ જરૂરી છે.”

પટાવાળો તમાકુનો રસ ઉતારતા મોઢુ મલકાવતા બોલ્યો “તમારુ નામ લખી આપો હું સાહેબના ટેબલ પર મુકી આવુ, સાહેબ બોલાવશે; ત્યાં સુધી અહીં બેસો.”

અમૃત સમજી ગયો, તુરત જ  પચાસ રૂપિયાની નોટ કાઢી પટાવાળાના ખીસામાં સરકાવી.

પટાવાળાઍ તુરત જ સલામ ભરી, ડીનની કેબીનનો દરવાજો ખોલી આપ્યો.

“ગુડ મોર્નીંગ સર આઇ એમ અમૃત વખારીયા, મે આઇ કમ ઇન?”

“કમ ઇન,(have a seat)”.આવ બેસ.

અમૃત ખુરસી પર બેઠો .

ડીનઃવીચ ઇયર આર યુ

અમૃતઃ મેકેનીકલ એનજીન્યરીં ગ ફાઇનલ ઇઅર

ડીનઃવેરી ગુડ, શેના કવર લઇને આવ્યા છો?

અમૃતઃમારે આપને ફડકે સાહેબ અને દેશમુખ સાહેબના રેકમેન્ડેશન લેટર્સ આપવાના છે; મે બે વિષયો વધારે લીધા છે, જેથી એક સેમેસ્ટર વહેલા મારા કોર્શ પૂરા થઇ જાય, જેથી ડીસેમ્બરમાં પરીક્ષા આપી શકુ,આપ લેટર્સ વાંચી પરવાનગી આપો, જેથી હુ પરીક્ષાનુ ફોર્મ ભરી શકુ.

ડીનઃસરસ તમારા વિષે મારે તમારા શીક્ષકો સાથે ચર્ચા થઇ ગયેલ છે; મારી પર્મિશન છે. ગુડ લક”

અમૃતઃથેંક્યુ સર. ડીન સાથે શેક હેન્ડ કરી ઊભો થયો.

અમૃત થાક્યો પરંતુ ખુશ થયો, બધા કામ ધાર્યા મુજબ થઇ ગયા.

સાંજે હોસ્ટૅલ પર પહોંચ્યો સૌથી પહેલા ઘેર અને કારખાને ફોન કરી મમ્મી પપ્પાને સમાચાર આપ્યા.

રમણભાઇ તો ખૂબ ખુશ થયા એક ટ્રેન વહેલી પકડી ઘેર આવ્યા.

રમાબેને પણ આજે ખુશાલીમાં ગોળનો કંસાર બનાવ્યો;સોફા પર બેઠા વિચાર આવ્યો”આજે કારખાનેથી વહેલા આવે તો સારુ”;ત્યાં જ ડોર બેલ વાગી.

દરવાજો ખોલ્યો, “અરે હમણા મને વિચાર આવ્યો તમે વહેલા આવો તો સારુ, અને તમે આવી ગયા”.

રમણભાઇઃ તમે મારા વિચાર કરો, મને બોલાવો ને હું ના આવુ એવુ બને?!”અને બન્ને આધેડ પતિ પત્નિ દરવાજામાં જ આનંદ વિફોર બન્યા, રમણભાઇએ રમાબેનને આલિંગનમા લીધા.

રમાબેનઃ અંદર તો આવો, હવે કાંઇ નાના નથી બોલતા હળવાસથી રમણભાઇની પકડ ઢીલી કરી; ચાલો જલ્દી હાથ પગ ધોઇ કપડા બદલો કંસાર ઠંડો થાય છે.

“ અરે વાહ ઘણા દિવશે કંસાર ખાવા મળશે; થાળી પિરશો; હું હાથ પગ ધોઇ આવી જાવ છુ”.

જોત જોતામાં ડીસેમ્બર મહિનો આવી ગયો, અમૃત પરીક્ષા આપી ઘેર આવ્યો.

રમાબેનને ચિકન ગોનિયા થયેલ, એક મહિનાથી પથારીમાં હતા પરંતુ અમૃતનો ફોન આવે ત્યારે એકદમ તંદુરસ્ત હોય તે રીતે વાતો કરે ફોન પણ નહોતો પકડાતો સ્પીકર ચાલુ કરી વાતો કરતા,અમૃત પૂછૅ મમ્મી બહુ અવાજ આવે છે સ્પીકર પર મુક્યો છે?”

“હા બેટા મારા હાથ કામમાં હોયને એટલે સ્પીકર ચાલુ કરુ છુ ;બેટા પરીક્ષા પતે તુરત ઘેર આવજે,ખાવા પીવામાં ધ્યાન રાખજે”.અને ફોન રમણભાઇને આપી દે.

અમૃતને જરા પણ વહેમ નહીં આવવા દીધો.

અમૃત ઘેર આવ્યો ત્યારે ખબર પડી.ડો ને મળ્યો, જાણ્યુ રમાબેનનો કેસ સીવિયર છે,તેની કોઇ દવા નથી, રમાબેનના બધા સ્નાયુઓ વાયરસથી જકડાયા હતા કશુ કામ પોતાની જાતે નહોતા કરી શકતા; કાર્યરત રમામાસીથી આ સહન નહોતુ થતુ. ઉપરથી હસતા, પરંતુ મનમાં ખૂબ વલોવાતા, તેમનાથી પરતંત્રતા સહન નહોતી થતી.જે કોઇ ખબર કાઢવા આવે તેને કહે “ હવે તમારી માસી સાવ નિષ્ક્રિય થઇ ગઇ છે”.

અમૃત આવ્યા પછી આનંદમા રહેતા, અમૃત બધી જાતની થેરપી કરાવતો, રિફલેક્ષોલોજીસ્ટ અઠ્વાડિયામા એક વખત આવતા, ધીરે ધીરે પોતાની જાતે ખાતા પીતા થયા. બધાનુ કહેવાનુ એકજ ૧૦૦% રીકવરી નહીં થાય, કેટલી થશે? અને ક્યારે થશે?; તેનો કોઇ પાસે જવાબ નહીં.

નિષ્ક્રિય રમામાસી ક્યારે કાર્યરત થશે? રાહ જોવાની રહી.