નવ   નવ  રાતના નોરતા ચાંચરીયાના ચોક રે

                                       મા ગરબે ઘૂમવા આવો રે

   નવરંગી ચૂંદડીયો રૂડી દોશીડો વોહરાવે રે

                                           મા ગરબે ઘૂમવા આવો રે

નવલખો ઘડી હાર રે મા સોનીડો ઊભો દ્વારે રે

                                           મા ગરબે ઘૂમવા આવો રે

 મણીયારા ઘડી ઘાટ નવરંગ ચૂડલીયો તુજ કાજ રે

                                           મા ગરબે ઘૂમવા આવો રે

   કડલાને કંદોરા માડી જોઇ રહ્યા  તુજ વાટ રે

                                         મા ગરબે ઘૂમવા આવો રે

  ગોરણીઓ સૌ સાથ ઘૂમે છે તાળીઓના તાલે રે

                                        મા ગરબે ઘૂમવા આવો રે 

   ઝાંજરીઑ છન છન રણકતી બોલીએ બોલાવે રે

                                        મા ગરબે ઘૂમવા આવો રે

   ચોખળીયાળી ચૂંદડીમાં ચમકતા તારલીયા રે

                                   મા ગરબે ઘૂમવા આવો રે

  નભનો ચાંદલીયો તારલીયા સંગે જુવે રૂડો રાસ રે

                                 મા ગરબે ઘૂમવા આવો રે