વરિષ્ઠ નાગરિક કોને કહીશું? જે આપણા સમાજમાં વરિષ્ઠ છે? જે આપણા કુટુંબમાં વરિષ્ઠ છે? જે રાજકારણમાં વરિષ્ઠ છે?દાખલા તરિકે આપણા સમાજ એટલેકે ગુજરાતી સમાજ, ગુજરાતી સાહિત્ય સરિતા, જૈન સમાજ, આવા તો અનેક સમાજ અમેરિકા્માં તેમજ આપણા દેશમાં અને દુનિયાભરના અનેક દેશોમાં સ્થાપિત છે. આ બધા વરિષ્ઠ નાગરિક જે તે સમાજ, કુટુંબ, રાજ્ય કે દેશના ગણાય.આમાના કેટલાના હકારાત્મક અભિગમ છે?આની ચર્ચા હું નહીં કરું આપણે સૌ તેઓના નકારાત્મક, હકારાત્મક અભિગમ વિશે મિડીયા દ્વારા જાણતા જ હોઇએ છીએ. મેં અનુભવેલ વરિષ્ઠ નાગરિક વિષેની વાત કરીશ.

                     મારા મિત્રના બા ૧૯૭૦માં અમેરિકાના નોર્થ ઈસ્ટ સ્ટૅટના ફ્રેંકોનિયા જેવા નાના ગામમાં આવ્યા, બોસ્ટનથી લગભગ ૧૭૦, ૧૮૦ માઇલ દૂર, ત્યારે બોસ્ટનમાં પણ દેશી ગ્રોસરી મળતી ન હતી ચિકાગો કે ન્યુયોર્કથી  ગ્રોસરી મંગાવવી પડે, બા શુધ્ધ શાકાહારી, દેશી શાકભાજી પણ ન મળે, બાએ કદિ ફરિયાદ ન કરી, મારા મિત્ર પૂછે બા તમને ફાવે છે? “હું મારા મિત્રને ફોન કરું તમે લીસ્ટ આપો બધી ગ્રોસરી ન્યુયોર્કથી મંગાવી લઇએ”.બા જવાબ આપે બેટા અહીં બધુ મળે છે તું ખોટી ચિંતા કરે છે,આ પીળા રંગની સ્કોસ આપણી દૂધી, આ લીલા રંગની ઝુકીની આપણા ગલકા તુરિયા, અને કોબી ફુલાવરતો કેવા સરસ મળે છે, એવા તો દેશમાંય નથી મળતા!!, હું તને ઝુકીની મગની દાળ કરી આપીશ,તુવેરની દાળ નથી તો પીળી વટાણાની દાળ તો છેને, સરસ દાળ થશે.ચણાના લોટની જગ્યાએ કોર્નનો લોટ વાપરે, બાસમતી ચોખાને બદલે અંકલ બેન્સના ચોખાના પેકેટથી કે મેક્ષીકન ચોખાથી ચલાવી લે.અને તેમની વહુના મોઢે વખાણ કરે અહીં તમારે કેટલું સારું, બધી ગ્રોસરી સાફ પેકેટમાં પેક મળે ચાળવાની કાંકરા વીણવાની એવી કોઇ ચિંતા નહીં. બા રોટલી પણ બે લોટ ભેળવી બનાવે એક પેકેટ પિલ્સબરિનો ઓલ પરપઝ લોટ અને એક પેકેટ પિલ્સબરિનો હોલ વ્હીટ લોટ ભેગા કરી રાખે, રોટલી ભાખરી પૂરી બધું દેશની જેમ જ બનાવે,બધાને પ્રેમથી જમાડે.બા પાસેથી તેમની વહુને પણ ઘણું શીખવા મળ્યું.

                    બા તેમનો પૌત્ર ૭ વર્ષનો તેને લેવા બપોરે બસ સ્ટોપ સુધી ચાલતા જાય, કડકડતી થંડી, હિમ વર્ષા, કે ધોધમાર વરસતો વરસાદ બા જાય જ તેમના નેબર બેન બા ને જોતાજ બોલે બા યુ શૂડ નોટ કમ ઇન બેડ વેધર આઇ કેન ડ્રોપ અમર, બા ભાંગ્યા તુટ્યા ઇંગ્લીશમાં બોલે સુઝાન સમજી જાય. બાને તેમના ગ્રાન્ડ સનને મળવાની ઇન્તેજારી આગળ આ વેધર કાંઇ નથી.અને સુઝાન મનમાં બોલે વોટ એ વંડરફુલ ગ્રાન્ડ મધર!!!ઘેર આવી તરતજ દીકરા માટે ગરમ ફ્રેન્ચ ફ્રાઇ બનાવે આપે,અમર પણ ગરમ ફ્રાઇસ ખાઇ, દાદીને પણ આગ્રહ કરી ખવડાવે.બા તેની સાથે ટી વી પણ જુવે. આ રીતે બા ખૂબ આનંદથી રહે. કોઇ વખત અમર જીદ કરે, બા મારે દાળ ભાત, શાક રોટલી નથી ખાવા મને ટર્કી સેન્ડવીચ બનાવી આપ તો પણ બાને વાંધો નહીં, તેના મમ્મી ડૅડી કોલ પર હોય અને મમ્મીને આવતા મોડું થાય તો આવે તે પહેલા દીકરા અમરને તેને ભાવતી સેન્ડવીચ પણ કોઇ જાતના અણગમા,નફરત વગર બનાવી આપે.તેમની વહુ સાસુને ના પાડે, અમરને વઢે તારે બા પાસે આવી જીદ નહીં કરવાની હું આવુ ત્યાં સુધી રાહ જોવાની,બા વેજીટેરિયન છે.બાને ગ્રીલ ચિઝ સેન્ડવીચ બનાવવાનું કહેવાનું.બા તરતજ કહે અમી બેટા મને ટર્કી ચોટી નથી જવાની, તમે આવો ત્યાં સુધી એને ભૂખ્યો ના રખાય, તમે મને બધી અમેરિકન વાનગી જે અમરને ભાવે છે તે શીખવાડી દો તો હું એને રોજ નવું નવું અમેરિકન ખાવાનું કરી આપીશ, અને બાએ મેક એન્ડ ચિઝ, જાત જાતના પાસ્તા એગ પ્લાન્ટ પાર્મેઝાન લઝાનિયા વગેરે વહુ અમી પાસે શીખી લીધું. આ રીતે બાના હકારાત્મક અભિગમ અને દેશ તેવો વેશના વલણથી અમેરિકામાં દીકરાના ઘેર જીવ્યા ત્યાં સુધી શાંતિથી રહ્યા, પૌત્ર અને પૌત્રીને અમેરિકન અને ઇન્ડીયન બન્ને વાનગીઓ ખવડાવી મોટા કર્યા.

                         બીજા એક મિત્રના બાની વાત કરું સાવ જ ઓપોસિટ,બાપૂજી રિટાયર્ડ થયા એટલે એકના એક દીકરાએ બન્નેને પિટીસન ફાઇલ કરી અમેરિકા બોલાવ્યા. થોડા દિવસ થયાને બાની ફરિયાદ શરું થઇ ગઇ,રોજ તેમના પતિને કંઇને કંઇ ફરિયાદ કરે, અહીંના શાકભાજી બધા દેખાવના સારા,આપણા દેશના શાક્ભાજી જેવી જરા પણ મીઠાશ નહીં,કેળા, સફરજન બધા મોટા મોટા પણ મીઠાશ વગરના,અહીં ક્યાંય જવા આવવાનું નહીં,શનિ રવી બહાર જવાય, તમે તો આખો દિવસ ટી.વી. જોયા કરો મારે શું કરવું? રસોય કરતા કંઇ વાર ન લાગે ઘરમાં કોઇ કામ તો હોય નહીં શું કરવું.આપણે બહુ મોટી ભૂલ કરી અહીં ગ્રીન કાર્ડ  પર આવ્યા, મારો વિચાર તો પહેલા વિસિટર વિસા જ લેવાનો હતો. પણ તમને અમેરિકામાં કાયમ રહેવાનો બહુ શોખ. બાપૂજી સમજાવે અહીંના શુધ્ધ હવા પાણી, અહીં બધુ ભેળ શેળ વગરનું ચોખું ખાવા પીવાનું મળે.થોડા દિવસમાં બધુ ફાવી જશે. બાપૂજીએ તો દીકરાને પૂછી ડ્રાઇવીંગ લેશન શરૂ કર્યા, અને ત્રણ મહિનામાં ડ્રાઇવીંગ પણ શીખી લીધું.દીકરાની દીકરી વેકેસન માં ઘેર આવી ત્યારે કોમપ્યુટર શીખી લીધુ, ગ્રાન્ડ ડૉટરે બાને પણ કાર્ડ ગેમ, ચેકર્સ  વગેરે જાત જાતની ગેમ રમવાનું શીખવાડી દીધું.હવે બાને પણ ફરિયાદ રહી નહીં. બન્નેનો દિવસો આનંદથી પસાર થવા લાગ્યા.હવે તો બા બોસ્ટનની ઠંડીમાં પેન્ટ, ટૉપ પહેરતા પણ થઇ ગયા.આમ બાળકો વડીલોને મોર્ડન ટૅકનોલોજી શીખવે તેઓને રસ લેતા કરે તો વડીલો આગલી જીંદગી ભૂલી પાછળની જીંદગી આનંદથી વિતાવે.

          વરિષ્ઠ નાગરિક થોડા શે અક્ષરથી પૂરા થતા  શબ્દો પોતાની વોકાબ્યુલરીમાં વાપરે તો હંમેશા હકારાત્મક વલણ રહે,જેવાકે

ચાલશે, ફાવશે, ભાવશે,ગમશે થશે..વગેરે.જે વિતી ગયું છે, તેને યાદ નહીં કરવાનું, ભવિષ્યની ચિંતા નહીં કરવાની જે સંજોગો આવે તેને પ્રભુનો પ્રસાદ માની સ્વીકારવાના અને હસતા મોઢે તેનો સામનો કરવાનો.

                                                  નરસિંહ મહેતાનુ આ પદ યાદ આવે છે

                                        જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો

                                         આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે, ઊગરે એજ ઉદ્વેગ ધરવો.

                                        ૠતુ લતા -પત્ર-ફળફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે

                                         જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તેહ પહોંચે.