પ્રેમ અનિર્વચનીય શબ્દ છે, પ્રેમતો અનુભૂતિનો વિષય છે. આ કોઇ અનૃત દુન્યવી પ્રેમની વાત નથી, જે આજકાલ ઘણો સસ્તો બની ગયો છે, આ અઢી અક્ષરનો પ્રેમ શબ્દ છુટથી વપરાઇ રહ્યો છે,તે વપરાસ ક્ષણિક સુખને પ્રગટ કરે છે,તેવા પ્રેમને ક્યારેક વિપરીત સંજોગોમાં  ધિક્કારમાં પલટાઇ જતા વાર નથી લાગતી. આવા દુન્યવી પ્રેમ સંબંધો ઘણા પ્રકારના હોય છે, જેવાકે પતિ-પત્નીના, પિતા-પુત્રના, ભાઇ- ભાઇના, ભાઇ-બેનના, મિત્રતાના, માલિક- કર્મચારીના, આ બધા પ્રેમ સંબંધો સ્વાર્થ અને લેણ દેણ સાથે સંકળાયેલા હોય છે. 
                પ્રેમ અનિર્વચનીય હોવા છતાં, તેના વિષે ઘણું લખાય છે, કાવ્યો, ગઝલો, ફિલ્મ સ્ટોરિ, ફિલ્મ ગીતો, લોક ગીતો, વાર્તાઓ,અને નવલકથાઓ,અને આપણે બધા સાહિત્ય પ્રેમીઓ વાંચીએ છીએ, આ બધા લખાણોમાં દુન્યવી પ્રેમની જ વાતો હોય છે
             આપણું અસ્તિત્વ જ્યારે દિગ્મૂઢ કરી દે, થથરાવી મૂકે તેવા પ્રચંડ પ્રેમના ઊભરાટ નો અનુભવ કરે અને નિરંતર આનંદની અનુભૂતિ કરે ત્યારે પરમ પ્રેમ પામ્યા કહેવાઇએ.

              આવો દિવ્ય પ્રેમ દ્વાપર યુગમાં બરસાનાની રાધા અને વ્રજની ગોપીઓ પામી શક્યા.

આવો પ્રેમ પામવાની ઝંખના દરેક હૈયાના અતલ ઊંડાણમાં પડેલી છે,પરંતુ તે પામવું સહેલું નથી, તે પામવા પ્રેમપંથની પાવક જ્વાળામાંથી પસાર થવું પડે છે,પસાર થતા થતા માંહ્યલામાં લીલીછમ લાગણીઓનો અભિષેક થતો રહે,અને ક્યારેક વિરહની આગમાં દ્રવિત હ્રદય અશ્રુધારે વર્ષા વરસાવે.
આ યુગમાં આવા પ્રેમપથ પર મીરા, નરસી ભગત, કબીર જેવા વિરલા  ચાલી શક્યા અને પરમ પ્રેમને પામી શકયા.