નવ નવ રાતના નોરતા ચાંચરીયાના ચોક રે
મા ગરબે ઘૂમવા આવો રે
નવરંગી ચૂંદડીયો રૂડી દોશીડો વોહરાવે રે
મા ગરબે ઘૂમવા આવો રે
નવલખો ઘડી હાર રે મા સોનીડો ઊભો દ્વારે રે
મા ગરબે ઘૂમવા આવો રે
મણીયારા ઘડી ઘાટ નવરંગ ચૂડલીયો તુજ કાજ રે
મા ગરબે ઘૂમવા આવો રે
કડલાને કંદોરા માડી જોઇ રહ્યા તુજ વાટ રે
મા ગરબે ઘૂમવા આવો રે
ગોરણીઓ સૌ સાથ ઘૂમે છે તાળીઓના તાલે રે
મા ગરબે ઘૂમવા આવો રે
ઝાંજરીઑ છન છન રણકતી બોલીએ બોલાવે રે
મા ગરબે ઘૂમવા આવો રે
ચોખળીયાળી ચૂંદડીમાં ચમકતા તારલીયા રે
મા ગરબે ઘૂમવા આવો રે
નભનો ચાંદલીયો તારલીયા સંગે જુવે રૂડો રાસ રે
મા ગરબે ઘૂમવા આવો રે
નવરાત્રીના દિવસો પૂરા થયા.સૌ દેવી ભક્તોએ પોતાની ઇષ્ટ દેવીના અનુસ્ટાન કર્યા હશે,બધી દેવીની પ્રતિમા આઠ ભૂજા વાળી હોય છે.આઠ ભૂજા શા માટે? મને પ્રશ્ન થયો.વિચારતી હતી, જવાબ મળ્યો.”અવેકનીંગ વીથ બ્રહ્મા કુમારી” નવરાત્ર સ્પેસીયલ સો માંથી. તેના પર ચિંતન કર્યું, આજે મારી સમજ મુજબ ,મારા શબ્દોમાં રજુ કરું છું.
આ આઠ ભૂજા આપણા સહુના આત્મામાં રહેલી આઠ શક્તિનું પ્રતિક છે.
આઠ શક્તિને આહ્વાહન કરી જાગૃત કરવી તે આપણા હાથમાં છે.જ્યારે કોઇ પણ દેવી દેવતાનું આહ્વાહન કરીએ ત્યારે અમુક મર્યાદા અને શિસ્તનું પાલન કરવાનું જરૂરી હોય છે.તેમા ઉપવાસ, જાગરણ અખંડ દીપક વગેરે.આત્માની અષ્ટ શક્તિના આહ્વાહનમાં આપણે ઉપવાસ સાત્વિક ભોજન સાથે આપણા અંદર રહેલા વિકારો (થોડા નામ ક્રોધ લોભ મોહ ભોગ…) વગેરે ના ત્યાગ કરવાનો કરીશું.નવરાત્રમાં આપણે માટીના ગરબામાં અખંડ દીવો રાખીએ છીએ.આ અનુષ્ટાનમાં આપણા પંચધાતુના બનેલ શરીર રૂપી ગરબામાં આત્મારૂપી દીપકને પરમાત્માના માર્ગદર્શનથી જલતો રાખીશું.નવરાત્રમાં જાગરણ પણ કરાય છે, જાગરણ રાસ ગરબા ગાવા સાથે અજ્ઞાનની નીંદમાંથી જાગી આઠ શક્તિ વિશે જાણવા માટેનું જાગરણ.
સૌથી પહેલી શક્તિ તે અનાશક્તિ, પાવર ટુ ડીટેચ, પાવર ટુ વીથડ્રો,કોઇ પણ પરિસ્થિતિમાં સંબંધ ભૂલી, ભૂતકાળ ભૂલી અનાશક્ત શાક્ષી ભાવે વિચાર કરીશું તો તેનો ઉકેલ સરળ બનશે.
આ શક્તિનું પ્રતિક મા પાર્વતી છે.પાર્વતી સાથે હંમેશ ગાયના બે વાછરડા હોય છે. જે પવિત્રતા અને જીવનના પ્રતિક છે. માતા પાર્વતીએ સમય પ્રમાણે જુદા જુદા રૂપ ધારણ કર્યા છે, અને જ્યારે શીવજી તેને ત્યાગી સિધ્ધ તપશ્ચર્યા કરવા ગયા, ત્યારે પોતે અનાશક્ત ભાવે પૃથ્વી પર રહ્યા અને તપ કર્યું.
બીજી શક્તિ તે જવા દો,ભૂલી જાવ, પાવર ટુ લેટ ગો, છોડોની શક્તિ.
અજ્ઞાનીઓની વાતો જવા દો, ભૂલી જાવ.તમારી બુરી ટેવોને છોડો, બહારની ટેવો, તમાકુ દારુ ખાણી પીણી, જુગાર એ છોડૉ સાથે સાથે અંદર જે ટેવો છે,વિકારો છે, દા તરીકે વાત વાતમાં ગુસ્સો કરવો ઉસ્કેરાય જવું, જગડવું, આવા તો અગણીત વિકારો આપણા સૌમાં છે તે બધાને છોડો.
આ શક્તિનું પ્રતિક મા દુર્ગા છે
.જે સિંહ જેવા વિકરાળ પશુ પર સવાર છે.જે સુચવે છે જેણે બધા વિકારો તજી દીધા છે તેની સામે વિકરાળ પશુ પણ નત મસ્તક ઊભુ રહી જાય છે, સવારી આપે છે
આ શક્તિ પામેલ આત્મા પોતાની આસપાસના સર્વ આત્માને સોમ્ય રાખી શકશે,વાતાવરણ શાંત રહેશે.
ત્રીજી શક્તિ તે સહન શક્તિ, પાવર ટુ ટોલરેટ
આ શક્તિનું પ્રતિક જગત અંબા છે જગત જનની છે.
સહન શક્તિ એટલે લાચારી નહીં,જેમકે નોકર શેઠની જોહુકમી સહન કરતો રહે, મનમાં કોચવાય મારા નસીબ કે મને આવો શેઠ મળ્યો. વહુ સાસુ પતિના ત્રાસ સહન કરે,મનમાં દુઃખી બોલે “શું કરું વહુ થૈને આવી છું સહન કરવું જ પડે.આ લાચારી.
માતા બધા આત્માનો સ્વીકાર કરે છે.માતા પોતાના બધા બાળકોને એક સરખો પ્રેમ આપે છે પોતાનો પુત્ર ચોર હોય કે, ભક્ત શ્રીમંત હોય કે ગરીબ,જ્યારે ઘેર આવે ત્યારે સહુને પ્રેમથી જમાડે,કોઇ પણ જાતની અપેક્ષા વગર.
આ શક્તિ ધરાવતો આત્મા કોઇ પણ આત્માના વ્યવહારથી ચલિત નહીં થાય હસતે મોઢે સહન કરશે.કોય જાતની મનમાં કે બહાર ફરિયાદ નહીં.આ આત્મા ઊંચો બનશે અને પોતાની સાથે વ્યવહાર કરનાર સર્વ આત્માને નમ્ર બનાવશે.સહુને પ્રેમથી અપનાવશે.
ચોથી શક્તિ તે સ્વીકાર કરવાની શક્તિ.
આ શક્તિનું પ્રતિક સંતોષી મા.
આ શક્તિ પ્રાપ્ત કરેલ આત્મા શારીરિક,કે ભૌતિક કોઇ પણ પરિસ્થિતિને વિભૂનો પ્રસાદ સમજી સ્વીકારશે .તેમજ સર્વ આત્માને ધૃણા નફરત વગર સમાન ભાવે સ્વીકારશે .
પાંચમી શક્તિ ખૂબ આવસ્યક શક્તિ છે તે પરખની શક્તિ પાવર ટુ ડીસ્ક્રીમિનેટ,આ બુધ્ધિની શક્તિ છે,જે વિવેક બુધ્ધિ તરીકે પણ ઓળખાય છે.
આ શક્તિનું પ્રતિક ગાયત્રી દેવી છે.તેના એક હાથમાં સુદર્શન ચક્ર, બીજા હાથમાં શંખ, તેની બાજુમાં હંસ જોવામાં આવે છે આ બધા પ્રતિકનું મહત્વ છે.
સુદર્શન ચક્ર જેને સ્વ દર્શન ચક્ર કહેવામાં આવે છે,તે આત્માને સ્વ દર્શનનું સુચન કરે છે.જે હંમેશ ફરતુ હોય છે.શંખ એ નાદનુ પ્રતિક છે.અને હંસ જે સ્વેત પથ્થરમાંથી મોતી શોધી ચરે છે.અને દુધ પાણી જુદા કરી શકે છે.તે પરખનું પ્રતિક છે.
જે આત્મા આ શક્તિ પ્રાપ્ત કરશે તે પોતાના સ્વ દર્શન ચક્રને હંમેશા ફરતુ રાખશે.તેની પાસે સાચા ખોટાની પરખ હંમેશ રહેશે.તે આત્મા દુનિયામાં થતી સાચી વસ્તુની જ ઘોષણા કરશે અને ખોટા ધુતારા સાધુ બાવાની વાતો છોડી દેશે.આ રીતે જો બધાજ આત્મા આ શક્તિ પ્રાપ્ત કરી સારા તત્વોનો પ્રચાર કરશે તો ખોટા તત્વોનું પ્રમાણ અને પ્રભાવ ખટશે અને એક દિવસ જરૂર નાશ પામશે.
છઠ્ઠી શક્તિ તે નિર્ણયાત્મક શક્તિ.પાવર ઓફ ડીશીસન.
આ શક્તિનું પ્રતિક મા સરસ્વતિ છે તેના બે હાથમાં વીણા છે,જે સંગીતનું પ્રતિક છે, ત્રીજા હાથમાં માળા છે,જે સંગઠન જોડાણ સુચવે છે, અને ચોથા હાથમાં શાસ્ત્રનું પુષ્તક છે.
આ શક્તિ પ્રાપ્ત કરેલ આત્મા કદિ બીજાની વાતોમાં નહીં આવે તે પોતે પોતાના જીવનનું સંગીત તૈયાર કરશે.તેનો નિર્ણય હંમેશા શાસ્ત્ર અને ધર્મ મુજબ હશે,અને છતા તે સહુ આત્માના સંસ્કાર સાથે માળાના મણકાની જેમ સંગઠનમાં રહેશે.
સાતમી શક્તિ તે સામનો કરવાની શક્તિ.
આ શક્તિનું પ્રતિક મા કાળી છે.તેના કંઠમાં રાક્ષસોના મુંડની માળા છે પગ નીચે કચડાયેલ રાક્ષસ પડેલ છે.તેના હાથમાં રાક્ષસનું મસ્તક દબાવેલ છે.આ ભયાનક મા કાળી ભૌતિક રાક્ષસોનો સામનો કરી તેઓનો નાસ કરવા માટૅનું સ્વરૂપ છે.
છ સિધ્ધી પ્રાપ્ત કરેલ આત્માએ, પાછો પોતે માયાની પકડમાં આવી અભિમાની જીવાત્મા વિકારોને વસ થઇ કમજોર ન બને, તે માટે આ શક્તિ પ્રાપ્ત કરી નાનામાં નાની કમજોરીને પણ પકડમાં લઇ કચડી નાખવાની છે.
આઠમી શક્તિ સહયોગ શક્તિ . પાવર ટુ કો ઓપરેટ.
આ શક્તિનું પ્રતિક મા લક્ષ્મી.જે કમળ પર બીરાજમાન છે તેના ઉપરના બન્ને હાથમાં કમળ છે,નીચેનો એક હાથ આશીર્વાદની મુદ્રામાં અને બીજો હાથ ખુલ્લો આપવાની મુદ્રામાં
આ શક્તિ સાત શક્તિ પ્રાપ્ત કરેલ આત્મા પાસે હશૅ તે બધાને પોતાની શક્તિ આપશે કોઇ જાતની સ્પર્ધા ઇર્ષા અભિમાન વગર બધા સાથે સહયોગ કરશે.અને કમળની જેમ જે કાદવમાં રહીને પણ ખરડાતુ નથી તેમ દુન્વયી વાતોથી અલીપ્ત રહેશે.
આમ આઠ શક્તિ પ્રાપ્ત કરેલ બધા આત્મા પૃથ્વી રૂપી ગરબામાં આત્મા રૂપી અખંડ દીપક જલતા રાખશે કદી અજ્ઞાનની નીંદમાં નહીં ડૂબે અને નાત જાત કાળા ધોળા વગેરે ભેદ ભૂલી લય બધ્ધ બધા સંસ્કારોની રાશ, ફ્ક્ક્ત નવરાત્રમાં જ નહીં કાયમ સાથે રાસ લેશે તો આખું વિશ્વ એક કુટુંબ બની જશે.