Thu 13 Aug 2020
શ્રાવણ મહિનાનો મહિમા
Filed under: ચિંતન લેખ — indirashah @ 10:05 am

શ્રાવણ મહિનાની શરૂઆત થાય અને શિવ મંદિરોમાં શિવ ભક્તો શિવલીંગ પર અભિસેક કરવા ઊમટી પડે. શિવ, દેવોના દેવ મહાદેવ કહેવાય છે. રામ ભગવાને લંકા જતા પહેલા શિવસ્મર્ણ કર્યું , શિવલિંગ ઉપસ્થિત થયું તેની પૂજા અર્ચના શ્રી રામ ભગવાને કરી જે આજે રામેશ્વરમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે. હિંદુ ધર્મના ચાર દિશામાં આવેલ ચાર યાત્રાધામ પૂર્વમાં જગન્નાથપૂરી, પશ્ચિમમાં દ્વારિકાધીશ ઉતરમાં બદ્રીનાથ  અને દક્ષિણ દિશામાં રામેશ્વરમની ગણતરી થાય છે.શ્રી કૃષ્ણ ભગવાને બે દિવસના હતા ત્યારે શ્રી શિવ ભગવાનના દર્શન કરવા વ્યાકુળ થયા રુદન કર્યું જશોદા મા અને સખીઓએ ઘણા ઉપાય કર્યા છતા બાળ કૃષ્ણ શાંત ન થયા ભગવાન શિવના દર્શન કર્યા તુરત જ શાંત થયા.
મહાભારત કથામાં ઘણા પાત્રોએ શિવ આરાધના કર્યાનો ઉલ્લેખ છે.યુધ્ધ સમાપ્ત થયા પછી યુધીષ્ઠિર સાથે બધા ભાઇઓ ગુરુ હત્યા, ગુરુ ભાઈઓ તથા પોતાના સો પિત્રાય ભાઇઓની હત્યાના શોકમાં ડુબી જાય છે, ત્યારે શ્રી કૃષ્ણ તેઓને શિવ ધ્યાન કરી પાપનું પ્રાયશ્ચિત કરી પાપ મુક્ત થવાની સલાહ આપે છે.એટલે તેઓ દેવોના દેવ મહાદેવ તરીકે પૂજાય છે.

શ્રાવણ મહિનાની વદ આઠમને દિવસે આખી દુનિયામાં વસતા હિંદુઓ કૃષ્ણ જન્મ નો ઉત્સવ ઊજવે છે. મહારાષ્ટ્ર્માં માખણની મટકી ફોડી કૃષ્ણ બાળલીલાનો ઊત્સવનું ખૂબ મહત્વ છે.આ દિવસોમાં હિંડોળા જુલાવવાનો ઉત્સવ ઘણા મંદીરોમાં તથા કૃષ્ણ ભક્તોના ઘેર ઉજવાય છે. આ મહિનામાં પુનમને દિવસે ભાઈબેનના પવિત્ર સંબંધનું  રક્ષાબંધન પર્વ ઉજવાય છે.આ પુનમ નાળિયેરી પુનમ તરીકે ઓળખાય છે,કારણ આ દિવસે માછીમારો નાળિયેર વધેરી સમુદ્રની પૂજા કરે છે જેથી સમુદ્ર ચોમાસા દરમ્યાન શાંત રહે અને માછીમાર તેમનો વ્યવસાય જોખમ વગર કરી શકે. ત્યારબાદ નાગ પંચમી અને શીતળા સાતમ જેવા પર્વ પણ ગુજરાતના ગામડાઓમાં આજે પણ ઉજવાય છે.અમુક સ્થળૉએ સાતમ આઠમનો પ્રખ્યાત મેળો ભરાય છે, નાના મોટા સહુ મેળામાં છુટથી મહાલે છે.
આ વર્ષે આ મહિનામાં ૧૫ ઓગષ્ટ આપણો શ્વાતંત્ર દિન પણ આવે છે.
શ્રાવણ મહિનાની વદ ચૌદસથી જૈન ધર્મના પર્યુશણ પર્વનો આરંભ થાય છે. આમ શ્રાવણ માસ ખૂબ મહત્તવનો મહિનો છે.

 

Comments Off on શ્રાવણ મહિનાનો મહિમા
Fri 27 Mar 2015
તસવીર બોલે છે
Filed under: ચિંતન લેખ — indirashah @ 9:23 pm

 

   

તસવીર બોલે છે

તસવીર જોય અને મને કેટલીક કહેવત યાદ આવી, ટાંટિયા ખેંચ, આંગળી આપી પોંચો પકડ્યો,વાડ હોય તો વેલા ચડૅ,કા્યર મેદાન છોડી ભાગે વગેરે..

આંગળી આપી પોંચો પકડ્યો કહેવત વિષે સત્ય ઘટના પર આધારીત વાત કરું,

મિસ્ટર સો એન્ડ સો વિખ્યાત સાયકોલોજીસ્ટ, ખાસ કરીને પરસનાલિટી પ્રોબલેમ જેવાકે સ્પલીટ પરસનાલિટી, પેરેનોયડ પરસનાલિટી વગેરે..સોલ્વ કરવા માટે જાણીતા..

મિ. એક્ષના વાઇફ મિસિસ વાયને આવોજ કંઇક પ્રોબલેમ કોઇ વખત ખૂબ સારા મૂડમાં હોય ત્યારે ખૂબ સરસ મિસ્ટરને ભાવતી વાનગીઓનો થાળ તૈયાર કરે, રાહ જોતા બેસે, જેવા પતિદેવના પગલા પડે તેવા ઉભા થાય સ્વાગત કરે હનિ આજે બહુ મોડું થયું ને! ખૂબ થાક્યા હશો પોર્ટફોલિયો લઇ લે,ચાલો જલ્દી ફ્રેસ થઇને આવી જાવ આજે તમને ભાવતુ પંજાબી છોલે પુરી, ને ગાજરનો હલવો છે. અને પતિ પત્નિ બન્ને આનંદથી જોધા અકબર સિરિયલ જોતા જોતા જમે.

આજ મિસિસ વાય બીજે દિવસે પતિ મોડા આવ્યા સવારે કહીને ગયેલ હનિ મારે આજે ડીનર મિટીંગ છે સાંજે મારી રાહ નહી જોતી, સાંજે પતિદેવ આવ્યા તેવા વાગ્ધારાથી નવડાવ્યા આજે તો બહુ જલસા કર્યા ને પેલી ચીબાવલી સેક્રેટરી રિટા સાથે ડીનર લેવા ગયા, ક્લબમાં ગયા બન્ને જણા એક બીજાની બગલમાં હાથ વિંટાળી નાચ્યા, થાક્યા પણ હશો જ. ના ના એવું કશું નથી કર્યું મારે ક્લાયન્ટ સાથે મિટીંગ હતી, હું તને કહીને તો ગયેલો. હા હા એ તો મિટીંગના બહાને નવી નવી છોકરીઓ સાથે ફરવાનું બૈરી તો કામવાળી. ..

આમ વારંવાર થવા લાગ્યું છેવટે મિસ્ટર એક્ષે તેમના મિત્ર સાયકોલોજીસ્ટ મિસ્ટર સો એન્ડ સો ની એપોન્ટમેન્ટ લીધી. પત્નિ સારા મુડમાં હતી માની ગઇ.મિસ્ટર સોએ બન્ને જણાની સ્ટૉરી સાંભળી પછી થેરપિ માટે મિસિસ વાઇને એકલા ઓફિસમાં બોલાવ્યા તેમના પતિ બહાર બેઠા.

બેસો બેન, ગુલછડીનો ગુલદસ્તો આપ્યો, મારા તરફથી ભેટ.મિસિસ વાય, તો મનમાં ખૂશ થયા જોયું મનેય કોઇ ભેટ આપવા વાળું છે, હું ય હવે મિસ્ટર સો સાથે ડીનર પર જઇશ. બેન ગુલદસ્તો ગમ્યો? હા હા ગમ્યો ખૂબ ગમ્યો સરસ સુગંધ છે. કાલે ડીનર પર લઇ જશો? જરૂર તમે કહેશો ત્યાં. અને બીજે દિવસે મિસ્ટર સો સાથે ડીનર લેવાનું નક્કી થયું. સો એ મિસ્ટર એક્ષ ને ફોન કરી જણાવી દીધુ. એ થોડા મોડા આવ્યા ખૂણાના ટૅબલ પર મિસિસ વાય ને ખબર ના પડે તે રીતે બેસી ગયા. આમ અવાર નવાર થેરપિ માટે બન્ને મળતા મિસ્ટર સો દર વખતે તેમના પતિને મિસિસ વાયને ખબર ના પડે તે રીતે હાજર રાખતા. થેરપિથી મિસિસ વાય ને ફાયદો થયો, હવે તેઓ તેમના પતિ પર વાત વાતમાં ગુસ્સે નહોતા થતા.પતિ પણ ખૂશ થયા. થેરપિ પૂરી થઇ.

એક દિવસ અચાનક બપોરના વાયબેને મિસ્ટર સોને ફોન કર્યો તમે હમણા જ મારે ઘેર આવો, મારે તમારી સાથે ખૂબ વાતો કરવી છે, સો એ ના પાડી હું પેસન્ટના ઘેર નથી જતો.

વાયબેન એમ નહીં આવો? હું તમને બદનામ કરીશ મારી સાથે ઓફિસમાં છેડા કર્યા બધુ મારા પતિને જણાવીશ.મિસ્ટર સો બેનનો ઇરાદો જાણી ગયા, તેમણે કહ્યું સારું અત્યારે સમય નથી આવતી કાલે આવીશ. વાયબેને મિસ્ટર સો નો પોંચો પકડવા પ્રયત્ન કર્યો. મિસ્ટર વાય પાસે બધી મુલાકાતોની ડી વી ડી હતી. જે લઇને તેમના ઘેર ગયા તેમના પતિને જાણ કરી તેઓ પણ હાજર હતા. બેનનો પ્રયાસ નિષ્ફળ.

એક દિવસ કુવામાં એક અજાણ્યા પ્રાણીને જોઇ સહુ દેડકાને કુતુહલ થયું આ વિચિત્ર પ્રાણી કોણ હશે? સૌ તેનાથી દૂર રહે, જોકે નવું પ્રાણી કોઇને હેરાન ન કરે પોતાની ડોક અંદર છુપાવી પડ્યું રહે, કદમાં ખૂબ મોટું અને જાડી ચામડીવાળું હોવાથી બધા દેડકાને બીક લાગે એક દિવસ નાના દેડકા દેડકી ને વિચાર આવ્યો આ રીતે બીતા ક્યાં સુધી રહીશું, ચાલ આપણે બન્ને તેમની સાથે દોસ્તી કરીએ,બન્ને ગયા, પુછ્યું ભાઇ તમારું નામ શું? તમે ડોક કેમ અંદર છુપાવી દ્યો છો? અમે નથી ગમતા?ના ના એવું નથી મને તો તમે બધા ગમો છો મારું નામ કાચબો હું કુવાની બાજુના તળાવમાં રહું છું, એ જગ્યા તો ખૂબ સુંદર છે મન થાય ત્યારે પાણીમાં સહેલ કરવાની રાત્રે જમીન પર સહેલ કરવાની, તમે પણ બહાર આવો મઝા આવશે મારી જેમ તમે પણ જમીન અને પાણીમાં રહી શકો છો, તો અહીં કુવામાં શું કરવા પડ્યા છો.દેડકો ને દેડકી ખૂશ થઇ ગયા, બન્ને એકબીજાને પ્રેમમાં હતા પણ તેમના વડીલો તેમને લગ્નની રજા નહોતા આપતા દેડકી પગે ખોટવાળી બહુ કુદી ન શકે દેડકો ખુબ સશક્ત સુંદર. દેડકાના વડીલોને મોટો વાંધો લંગડી ને ઘરમાં ન લવાય વેઠ કરવી પડૅ.

દેડકો ને દેડકી બન્નેને વિચાર આવ્યો ચાલો ભાગી જઇએ બહાર નીકળી લગન કરી લઇશું, દેડકાએ દેડકીને કહ્યું તું મારો પાછલો પગ તારા બે આગલા પગથી પકડી લેજે અને આપણે બેઉ ઉપર પહોંચી જઇને,લગન કરશું, ખુલ્લી હવામાં ફરશું, આ બંધિયાર કુવો અને ઘરડા દેડકાઓથી હું કંટાળી ગયો છું, હાહો કંટાળી તો હું ય ગઇ છું, પણ હનિ ત્યાં મને કોઇ કનડશે તો નહીં ને? અરે હું બેઢો છું ને તારું કોઇ નામન લે. દેડકીનો વિશ્વાસ પોતાના પ્રિયતમ પ્રત્યે દૃઢ થયો. બન્ને ઉપરની દુનિયાના સ્વપ્ન જોવા લાગ્યા, બધા દેડકા સુઇ ગયા ડ્રાંવ ડ્રાવ બંધ થયું કે તુરત દેડકાભાઇએ દેડકી સાથે કુદકો માર્યો અને પાઇપ પકડી લીધો, દેડકીએ પણ બરાબર પગ પકડી રાખ્યો, દેડકાભાઇ કુદ્યા અને બેઉ પ્રેમીઓ કુવાની બહાર. થોડો આધાર મળે નબળાનો આત્મવિશ્વાસ વધે ધાર્યા કાર્ય કરી શકે.

 

Comments Off on તસવીર બોલે છે
Wed 26 Feb 2014
પ્રેમની પરિભાષા
Filed under: ચિંતન લેખ — indirashah @ 4:46 pm

                 પ્રેમ અનિર્વચનીય શબ્દ છે, પ્રેમતો અનુભૂતિનો વિષય છે. આ કોઇ અનૃત દુન્યવી પ્રેમની વાત નથી, જે આજકાલ ઘણો સસ્તો બની ગયો છે, આ અઢી અક્ષરનો પ્રેમ શબ્દ છુટથી વપરાઇ રહ્યો છે,તે વપરાસ ક્ષણિક સુખને પ્રગટ કરે છે,તેવા પ્રેમને ક્યારેક વિપરીત સંજોગોમાં  ધિક્કારમાં પલટાઇ જતા વાર નથી લાગતી. આવા દુન્યવી પ્રેમ સંબંધો ઘણા પ્રકારના હોય છે, જેવાકે પતિ-પત્નીના, પિતા-પુત્રના, ભાઇ- ભાઇના, ભાઇ-બેનના, મિત્રતાના, માલિક- કર્મચારીના, આ બધા પ્રેમ સંબંધો સ્વાર્થ અને લેણ દેણ સાથે સંકળાયેલા હોય છે. 
                પ્રેમ અનિર્વચનીય હોવા છતાં, તેના વિષે ઘણું લખાય છે, કાવ્યો, ગઝલો, ફિલ્મ સ્ટોરિ, ફિલ્મ ગીતો, લોક ગીતો, વાર્તાઓ,અને નવલકથાઓ,અને આપણે બધા સાહિત્ય પ્રેમીઓ વાંચીએ છીએ, આ બધા લખાણોમાં દુન્યવી પ્રેમની જ વાતો હોય છે
             આપણું અસ્તિત્વ જ્યારે દિગ્મૂઢ કરી દે, થથરાવી મૂકે તેવા પ્રચંડ પ્રેમના ઊભરાટ નો અનુભવ કરે અને નિરંતર આનંદની અનુભૂતિ કરે ત્યારે પરમ પ્રેમ પામ્યા કહેવાઇએ.

              આવો દિવ્ય પ્રેમ દ્વાપર યુગમાં બરસાનાની રાધા અને વ્રજની ગોપીઓ પામી શક્યા.

આવો પ્રેમ પામવાની ઝંખના દરેક હૈયાના અતલ ઊંડાણમાં પડેલી છે,પરંતુ તે પામવું સહેલું નથી, તે પામવા પ્રેમપંથની પાવક જ્વાળામાંથી પસાર થવું પડે છે,પસાર થતા થતા માંહ્યલામાં લીલીછમ લાગણીઓનો અભિષેક થતો રહે,અને ક્યારેક વિરહની આગમાં દ્રવિત હ્રદય અશ્રુધારે વર્ષા વરસાવે.
આ યુગમાં આવા પ્રેમપથ પર મીરા, નરસી ભગત, કબીર જેવા વિરલા  ચાલી શક્યા અને પરમ પ્રેમને પામી શકયા.

 

Comments (1)
Thu 17 Oct 2013
આત્માની અષ્ટ શક્તિ
Filed under: ચિંતન લેખ — indirashah @ 12:04 pm

 

નવરાત્રીના દિવસો પૂરા થયા.સૌ દેવી ભક્તોએ પોતાની ઇષ્ટ દેવીના અનુસ્ટાન કર્યા હશે,બધી દેવીની પ્રતિમા આઠ ભૂજા વાળી હોય છે.આઠ ભૂજા શા માટે? મને પ્રશ્ન થયો.વિચારતી હતી, જવાબ મળ્યો.”અવેકનીંગ વીથ બ્રહ્મા કુમારી” નવરાત્ર સ્પેસીયલ સો માંથી. તેના પર ચિંતન કર્યું, આજે મારી સમજ મુજબ ,મારા શબ્દોમાં રજુ કરું છું.

    આ આઠ ભૂજા આપણા સહુના આત્મામાં રહેલી આઠ શક્તિનું પ્રતિક છે.

આઠ શક્તિને આહ્વાહન કરી જાગૃત કરવી તે આપણા હાથમાં છે.જ્યારે કોઇ પણ દેવી દેવતાનું આહ્વાહન કરીએ ત્યારે અમુક મર્યાદા અને શિસ્તનું પાલન કરવાનું જરૂરી હોય છે.તેમા ઉપવાસ, જાગરણ અખંડ દીપક વગેરે.આત્માની અષ્ટ શક્તિના આહ્વાહનમાં આપણે ઉપવાસ સાત્વિક ભોજન સાથે આપણા અંદર રહેલા વિકારો (થોડા નામ ક્રોધ લોભ મોહ ભોગ…) વગેરે ના ત્યાગ કરવાનો કરીશું.નવરાત્રમાં આપણે માટીના ગરબામાં અખંડ દીવો રાખીએ છીએ.આ અનુષ્ટાનમાં આપણા પંચધાતુના બનેલ શરીર રૂપી ગરબામાં આત્મારૂપી દીપકને પરમાત્માના માર્ગદર્શનથી જલતો રાખીશું.નવરાત્રમાં જાગરણ પણ કરાય છે, જાગરણ રાસ ગરબા ગાવા સાથે અજ્ઞાનની નીંદમાંથી જાગી આઠ શક્તિ વિશે જાણવા માટેનું જાગરણ.

      સૌથી પહેલી શક્તિ તે અનાશક્તિ, પાવર ટુ ડીટેચ, પાવર ટુ વીથડ્રો,કોઇ પણ પરિસ્થિતિમાં સંબંધ ભૂલી, ભૂતકાળ ભૂલી અનાશક્ત શાક્ષી ભાવે વિચાર કરીશું તો તેનો ઉકેલ સરળ બનશે.

     આ શક્તિનું પ્રતિક મા પાર્વતી છે.પાર્વતી સાથે હંમેશ ગાયના બે વાછરડા હોય છે. જે પવિત્રતા અને જીવનના પ્રતિક છે. માતા પાર્વતીએ સમય પ્રમાણે જુદા જુદા રૂપ ધારણ કર્યા છે, અને જ્યારે શીવજી તેને ત્યાગી સિધ્ધ તપશ્ચર્યા કરવા ગયા, ત્યારે પોતે અનાશક્ત ભાવે પૃથ્વી પર રહ્યા અને તપ કર્યું.

     બીજી શક્તિ તે જવા દો,ભૂલી જાવ, પાવર ટુ લેટ ગો, છોડોની શક્તિ.

    અજ્ઞાનીઓની વાતો જવા દો, ભૂલી જાવ.તમારી બુરી ટેવોને છોડો, બહારની ટેવો, તમાકુ દારુ ખાણી પીણી, જુગાર એ છોડૉ સાથે સાથે અંદર જે ટેવો છે,વિકારો છે, દા તરીકે વાત વાતમાં ગુસ્સો કરવો ઉસ્કેરાય જવું, જગડવું, આવા તો અગણીત વિકારો આપણા સૌમાં છે તે બધાને છોડો.

આ શક્તિનું પ્રતિક મા દુર્ગા છે

.જે સિંહ જેવા વિકરાળ પશુ પર સવાર છે.જે સુચવે છે જેણે બધા વિકારો તજી દીધા છે તેની સામે વિકરાળ પશુ પણ નત મસ્તક ઊભુ રહી જાય છે, સવારી આપે છે

     આ શક્તિ પામેલ આત્મા પોતાની આસપાસના સર્વ આત્માને સોમ્ય રાખી શકશે,વાતાવરણ શાંત રહેશે.

     ત્રીજી શક્તિ તે સહન શક્તિ, પાવર ટુ ટોલરેટ

આ શક્તિનું પ્રતિક જગત અંબા છે જગત જનની છે.

સહન શક્તિ એટલે લાચારી નહીં,જેમકે નોકર શેઠની જોહુકમી સહન કરતો રહે, મનમાં કોચવાય મારા નસીબ કે મને આવો શેઠ મળ્યો. વહુ સાસુ પતિના ત્રાસ સહન કરે,મનમાં દુઃખી બોલે “શું કરું વહુ થૈને આવી છું સહન કરવું જ પડે.આ લાચારી.

   માતા બધા આત્માનો સ્વીકાર કરે છે.માતા પોતાના બધા બાળકોને એક સરખો પ્રેમ આપે છે પોતાનો પુત્ર ચોર હોય કે, ભક્ત શ્રીમંત હોય કે ગરીબ,જ્યારે ઘેર આવે ત્યારે સહુને પ્રેમથી જમાડે,કોઇ પણ જાતની અપેક્ષા વગર.

    આ શક્તિ ધરાવતો આત્મા કોઇ પણ આત્માના વ્યવહારથી ચલિત નહીં થાય હસતે મોઢે સહન કરશે.કોય જાતની મનમાં કે બહાર ફરિયાદ નહીં.આ આત્મા ઊંચો બનશે અને પોતાની સાથે વ્યવહાર કરનાર સર્વ આત્માને નમ્ર બનાવશે.સહુને પ્રેમથી અપનાવશે.

       ચોથી શક્તિ તે સ્વીકાર કરવાની શક્તિ.

આ શક્તિનું પ્રતિક સંતોષી મા.

  આ શક્તિ પ્રાપ્ત કરેલ આત્મા શારીરિક,કે ભૌતિક કોઇ પણ પરિસ્થિતિને વિભૂનો પ્રસાદ સમજી સ્વીકારશે .તેમજ સર્વ આત્માને ધૃણા નફરત વગર સમાન ભાવે સ્વીકારશે .

    પાંચમી શક્તિ ખૂબ આવસ્યક  શક્તિ છે તે પરખની શક્તિ પાવર ટુ ડીસ્ક્રીમિનેટ,આ બુધ્ધિની શક્તિ છે,જે વિવેક બુધ્ધિ તરીકે પણ ઓળખાય છે.

     આ શક્તિનું પ્રતિક ગાયત્રી દેવી છે.તેના એક હાથમાં સુદર્શન ચક્ર, બીજા હાથમાં શંખ, તેની બાજુમાં હંસ જોવામાં આવે છે આ બધા પ્રતિકનું મહત્વ છે.

    સુદર્શન ચક્ર જેને સ્વ દર્શન ચક્ર કહેવામાં આવે છે,તે આત્માને સ્વ દર્શનનું સુચન કરે છે.જે હંમેશ ફરતુ હોય છે.શંખ એ નાદનુ પ્રતિક છે.અને હંસ જે સ્વેત પથ્થરમાંથી મોતી શોધી ચરે છે.અને દુધ પાણી જુદા કરી શકે છે.તે પરખનું પ્રતિક છે.

    જે આત્મા આ શક્તિ પ્રાપ્ત કરશે તે પોતાના સ્વ દર્શન ચક્રને હંમેશા ફરતુ રાખશે.તેની પાસે સાચા ખોટાની પરખ હંમેશ રહેશે.તે આત્મા દુનિયામાં થતી સાચી વસ્તુની જ  ઘોષણા કરશે અને ખોટા ધુતારા સાધુ બાવાની વાતો છોડી દેશે.આ રીતે જો બધાજ આત્મા આ શક્તિ પ્રાપ્ત કરી સારા તત્વોનો પ્રચાર કરશે તો ખોટા તત્વોનું પ્રમાણ અને પ્રભાવ ખટશે અને એક દિવસ જરૂર નાશ પામશે.

      છઠ્ઠી શક્તિ તે નિર્ણયાત્મક શક્તિ.પાવર ઓફ ડીશીસન.

આ શક્તિનું પ્રતિક મા સરસ્વતિ છે તેના બે હાથમાં વીણા છે,જે સંગીતનું પ્રતિક છે, ત્રીજા હાથમાં માળા છે,જે સંગઠન જોડાણ સુચવે છે, અને ચોથા હાથમાં શાસ્ત્રનું પુષ્તક છે.

આ શક્તિ પ્રાપ્ત કરેલ આત્મા કદિ બીજાની વાતોમાં નહીં આવે તે પોતે પોતાના જીવનનું સંગીત તૈયાર કરશે.તેનો નિર્ણય હંમેશા શાસ્ત્ર અને ધર્મ મુજબ હશે,અને છતા તે સહુ આત્માના સંસ્કાર સાથે માળાના મણકાની જેમ સંગઠનમાં રહેશે.

    સાતમી શક્તિ તે સામનો કરવાની શક્તિ.

આ શક્તિનું પ્રતિક મા કાળી છે.તેના કંઠમાં રાક્ષસોના મુંડની માળા છે પગ નીચે કચડાયેલ રાક્ષસ પડેલ છે.તેના હાથમાં રાક્ષસનું મસ્તક દબાવેલ છે.આ ભયાનક મા કાળી ભૌતિક રાક્ષસોનો સામનો કરી તેઓનો નાસ કરવા માટૅનું સ્વરૂપ છે.

છ સિધ્ધી પ્રાપ્ત કરેલ આત્માએ, પાછો પોતે માયાની પકડમાં આવી અભિમાની જીવાત્મા વિકારોને વસ થઇ કમજોર ન બને, તે માટે આ શક્તિ પ્રાપ્ત કરી નાનામાં નાની કમજોરીને પણ પકડમાં લઇ કચડી નાખવાની છે.

      આઠમી શક્તિ સહયોગ શક્તિ . પાવર ટુ કો ઓપરેટ.

આ શક્તિનું પ્રતિક મા લક્ષ્મી.જે કમળ પર બીરાજમાન છે તેના ઉપરના બન્ને હાથમાં કમળ છે,નીચેનો એક હાથ આશીર્વાદની મુદ્રામાં અને બીજો હાથ ખુલ્લો આપવાની મુદ્રામાં

આ શક્તિ સાત શક્તિ પ્રાપ્ત કરેલ આત્મા પાસે હશૅ તે બધાને પોતાની શક્તિ આપશે કોઇ જાતની સ્પર્ધા ઇર્ષા અભિમાન વગર બધા સાથે સહયોગ કરશે.અને કમળની જેમ જે કાદવમાં રહીને પણ ખરડાતુ નથી તેમ દુન્વયી વાતોથી  અલીપ્ત રહેશે.

   આમ આઠ શક્તિ પ્રાપ્ત કરેલ બધા આત્મા પૃથ્વી રૂપી ગરબામાં આત્મા રૂપી અખંડ દીપક જલતા રાખશે કદી અજ્ઞાનની નીંદમાં નહીં ડૂબે અને નાત જાત કાળા ધોળા વગેરે ભેદ ભૂલી લય બધ્ધ બધા સંસ્કારોની રાશ, ફ્ક્ક્ત નવરાત્રમાં જ નહીં કાયમ સાથે રાસ લેશે તો આખું વિશ્વ એક કુટુંબ બની જશે.

 

 

Comments Off on આત્માની અષ્ટ શક્તિ
36 queries. 0.104 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.