આજે સુનંદા બેનનું હૈયુ હર્ષે છલકાતું હતું , હોય જ ને આજે દસ વર્ષ બાદ તેમના ઘેર આનંદ ઉલ્લાસનો પ્રસંગ ઉજવાતો હતો, તેમની દીકરી નિલીમાની પ્રથમ પ્રસુતી સુનંદાબેનના ઘેર થઈ હતી, તેમનો દોહિત્ર નિલય દસ વર્ષનો થયો. તેમના દિકરાના લગ્નને છ વર્ષ વિત્યા દિકરો સુમન અને વહુ સુહાસિની બન્ને પોતાની કેરિયરમાં ખૂબ
સુંદર પ્રગતી કરી રહ્યા હતા, સુમન કોમર્સની એમ કોમની ડીગ્રી મેળવી,કોલેજમાં લેકચર આપતો અને પાર્ટ ટાયમ લો કોલેજ અટેન્ડ કરતો તેને લોયર થવાની અભિલાસા હતી. સુહાસિની અંગ્રેજી વિષય સાથે બી.એની ડીગ્રી મેળવી હાઇસ્કુલમાં શિક્ષીકા હતી. તેના મનમાં એમ. એ; પી.એચ.ડી થઈને કોલેજમાં પ્રોફેસર થવાની તિવ્ર ઈચ્છા હતી.
દિકરો-વહુ બન્નેએ પોતાની અભિલાસા પૂર્ણ કરી ડીગ્રી મેળવી, સુમનને જાણીતી લો ફર્મમા સહાયક લોયરની નોકરી મળી ગઈ, અને સુહાસિની સગર્ભા થઈ, સુહાસિનીએ પતિ સુમન અને સાસુની સમજાવટથી પી એચ ડી થવાનું મુલ્તવી રાખ્યું, છઠ્ઠે મહિને નિલીમાએ રિવાજ મુજબ ભાભીને રાખડી બાંધી,પિયરમાં આવનાર વારસદારની અને ભાભીની રક્ષા એજ આસય.

આજે સાતમે મહિને સુનંદાબેને હોંશના રાંદલ તેડ્યા, દિકરા-વહુએ માતાજીની પૂજા અર્ચના કરી, વડીલોને પગે લાગ્યા આશીર્વાદ લીધા,સુનંદાબેનને હર્ષ સાથે થોડું દુઃખ હતું આજે તેમના લોયર પતિ અમુલખભાઈ જેઓ અમદાવાદ શહેરના જાણીતા લોયર હતા તેમનું ચાર વર્ષ થયા જીવલેણ હાર્ટ એટેક આવવાથી અવસાન થયેલ તેઓની ઈચ્છા દિકરાને લોયર કરવાની હતી , જે આજે લોયર થયેલ છે, તે જોવા તેઓ હાજર નથી.
સુહાસિનીના પિયરિયાએ વ્યવહારમાં નણંદને સુંદર બનારસી સેલુ આપ્યું , જમાઈને લોયરને શોભે તેવો પોશાક સફેદ શર્ટ બ્લુટાય, બ્લેક સુટ્નું કાપડ, સુનંદાબેનને સફેદ બ્લુ બોર્ડર પાલવની સાડી. નણંદે ખોળો ભર્યો, સગા-સબંધીએ હોંસે માતાજીના ગરબા ગાયા, નિલીમાએ અને સુહાસીનીના ભાભી રસીલાએ ચાર માતાનો પ્રખ્યાત ગરબો ઉપાડ્યો
“લાલ ઘોડેરે કોણ ચડે મા અંબાનો અવતાર
અંબા માવડીરે રણે ચડ્યા સજી સોળ સણગાર
રમજો જમજોરે ગોરણીઓ સૌ રમજો સારી રાત
રમા વહુએ રાંધી લાપસીરે ભોળી ભવાનીમા
ઉપર પાપડનો કટકોરે ભૉળી ભવાનીમા
એવો રમા વહુનો લટકોરે ભોળી ભવાનીમા”
આમ બઉચર, રાંદલ, ચામુંડા, કાળકા માતા ઘોડે ચડ્યા, સાથે કુટુંબની વહુ -દીકરીઓ ઘોડૉ ખુંદી રમ્યા,
આખા ઘરમાં આનંદનો માહોલ છવાયો.
ગરબા બાદ રાંદલમાની આરતી કરી,થાળ ધરાવ્યો,
સુહાસિનીએ સાત ગોયણીઓના પગ ધોયા, લાપસી મોમા મુકી.
સૌ સગા વ્હાલા લાપસી, દાળ, ભાત ,શાક પાપડનું સ્વાદિસ્ટ જમણ જમી છુટા પડયા..
છેલ્લે સુનંદાબેન નિલીમા જમવા બેઠા, નિલીમાએ મમ્મીના ચહેરા પર ઉદાસી જોય બોલી મમ્મી, જમો મને,
ભાઈ – ભાભીને આજે પપ્પાની ગેરહાજરીનું દુ;ખ છે, ભાઈ પુજા રૂમમાં પપ્પાના ફોટા સામે માતાજીનો પ્રસાદ મુકી, પછી જમ્યા, મમ્મી, પપ્પાએ જ્યાં હશે ત્યાંથી આજના પ્રસંગનો આનંદ માણ્યો જ હશે.આપણે સૌએ આનંદથી જમવાનું છે.ઘરના સૌ સાથે બેસી જમ્યા. બીજે દિવસે સુહાસિની રસિકભાઈ-ભાભી સાથે તેના પિયર જવા તૈયાર થઈ નિલીમાએ ખોળામાં ભરેલ ચોખા રસીલાને આપ્યા જે બાળકના જન્મ પછી છઠા દિવસે રાંધવાના હોય છે.
સુહાસિની નિયમીત પ્રિનેટલ વિટામિન્સ જમ્યા પછી લેતી હતી, ઑ-બી, જિવાયેન ડૉ દોશી ને દર ૧૫ દિવસે બતાવવા જતી, આઠમે મહિને સોનોગ્રાફ કર્યો બાળકનો વિકાસ જાણવા,બાળક ખૂબ તંદુરસ્ત વજન સરેરાસ ૭થી ૮ પાઉંડ, બાળકની જાતી પણ જાણી શકાય, જે સુહાસિની અને સુમનને નહોતી જાણવી.
૯ મહીના પુરા થયા, સૌની આતુરતાનો અંત શ્રાવણ મહિનાની ચૌદસની રાત્રે સુહાસિનીને પ્રસુતી પીડા શરુ થઈ રસિલાભાભીએ ડો દોશીના દવાખાને ફોન કર્યો, નર્સે સાથે વાત કરી, નર્સે પુછ્યું દુઃખવા સાથે પાણી પડે છે?
રસિલા ભાભીઃ”હા પાણી પડૅ છે,અને પેડુમાં સખત દુઃખે છે.
નર્સઃ સારું લઈ આવો રસિલા અને રસિક ટેક્ષી કરી સુહાસિનીને દવાખાને લઈ ગયા, રસિકે ફોન કરી સુનંદાબેન અને સુમનને જણાવ્યું, બન્ને ગાડીમાં નીકળ્યા કલાકમાં દવાખાને પહોંચ્યા, રસિલા લેબર રૂમમાં સુહાસિની સાથે હતી રસિક વેટિંગરૂમમાં બેઠો હતો.
પરોઢીયે પાચ વાગે નર્સ બહાર આવી બોલી વધાઈ હો સુમનભાઈ સુહાસિનીને આપકો આજ પૂર્ણિમાકે દિન બેટા દીયા હૈ. સુમને તુરત સો રૂપિયાની વધામણી નર્સને આપી.
સુનંદાબેન ખૂબ ખુશ થયા બોલ્યા ‘સુમન તારા પપ્પાનો જન્મ દિવસ શ્રાવણી પૂનમ હતો, આપણે અંગ્રેજી તારીખ
પ્રમાણે ઓગષ્ટ મહિનાની સોળ તારીખે ઉજવતા હતા’
સુમનઃ-મમ્મી પપ્પા લોયર દિકરાને જોવા તેના ઘેર આવ્યા.
સુહાસિની ત્રીજે દિવસે ઘેર આવી. છઠ્ઠીને દિવસે નિલીમા ભત્રીજાને રમાડવા આવી. સુનંદાબેને મીઠો ભાત બનાવ્યો,નજીકના સગાને આમંત્રીત કર્યા, નિલીમાએ ભત્રીજાનું નામ પાડ્યું અનંત.